ગાંધીનગરઃ કોરોના વાયરસની ગામડાંમાં પ્રવેશ થતો અટકાવવા ગામડાં કટિબદ્ધ બન્યાં છે. ગામના શિક્ષિત સરપંચ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે. હજુ અનેક એવા ગામ છે જે કોરોના વાયરસ શું છે ? તેની કેવી અસર થઈ શકે છે ? તેની પણ ખબર નથી. તેવા સમયે ગાંધીનગર તાલુકાના હિંમતનગર હાઇવે ઉપર આવેલા ચંદ્રાલા ગામમાં ગામના સરપંચ વિનોદભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી યોગેશભાઈના સહકારથી આજે સમગ્ર ગામમાં હેન્ડ સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગામમાં 5 હજાર જેટલા લોકો વસવાટ કરે છે. ત્યારે ગામના એક પણ વ્યક્તિ કોરોના વાયરસની ઝપટમાં ન આવે તેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ચંદ્રાલા ગામના સરપંચ વિનોદભાઈ પટેલે કહ્યું કે અમારા ગામમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે ન આવે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમામ ગ્રામજનોને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ગામને દવા છાંટીને સેનેટાઈજ કરવામાં આવ્યું હતું.
જ્યારે આજે સમગ્ર ગામમાં રહેતાં લોકોને સેનેટાઈઝરની બોટલ અને જેટલા સભ્યો ઘરમાં રહેતાં હોય તે તમામને વોશેેબલ માસ્ક આપવામાં આવ્યાં હતાં. ગામમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પણ સમયમર્યાદામાં ખોલવા માટે જ જણાવવામાં આવી રહી છે.
તે ઉપરાંત બિનજરૂરી રખડતાં લોકોને ઘરમાં બેસી રહેવા માટે આગ્રહ કરવામાં આવે છે સાથે ગ્રામ પંચાયત દ્વારા કમિટી બનાવવામાં આવી છે. જે સમાયંતરે ગામમાં ચોકીદારી કરે છે. ત્યારે સમગ્ર ગામમાં સેનેટાઈઝર અને માસ્ક આપનાર ચંદ્રાલા ગામ જિલ્લામાં પહેલું બન્યું છે.