દીવ : ગઈકાલે વડોદરાના હરણી તળાવમાં વાઘોડિયાથી આવેલા શાળાના નાના નાના બાળકો અને બે શિક્ષિકાઓના તળાવમાં બોટ પલટી જવાથી મોત થયા છે. ખૂબ જ ગમગીની ઉપજાવનારી આ ઘટનાને લઈને હવે રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સંઘ પ્રદેશ દીવમાં પણ આ જ પ્રકારે વોટર સ્પોટ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહે છે. ત્યારે દીવ પર વિવિધ વોટર સ્પોટ્સને લઈને પ્રવાસીઓને આપવામાં આવતી સુરક્ષા પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે કામ કરતી જોવા મળી હતી. પ્રવાસીઓને તમામ સુરક્ષા સાથે વોટર સ્પોર્ટમાં જવા દેવામાં આવે છે. દીવ બીચ પર વોટર સ્પોર્ટ્સમાં સુરક્ષાને લઈને પ્રવાસીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રિયાલિટી ચેકમાં પાસ દીવ : સંઘપ્રદેશ દીવ રમણીય બીચ માટે પણ ખૂબ જ પ્રચલિત છે. ત્યારે બમ્પર ડ્રેગન પેરા સેલિંગ સ્પીડ બોટ અને બનાના જેવી દરિયાઈ રાઈડમાં સુરક્ષાની તમામ ચકાસણીઓ અને વ્યવસ્થા પૂર્ણ થયા બાદ પ્રત્યેક પ્રવાસીને લાઈફ જેકેટ સાથે જવા દેવામાં આવે છે. વોટર સ્પોર્ટમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને એન આઈ ડબલ્યુ એસ દ્વારા જે સુરક્ષાના ધારાધોરણો નક્કી કરાયા છે. તે મુજબ તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા જ પ્રવાસીઓને વોટર સ્પોર્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આની સાથે દરિયામાં ઈમરજન્સીના સમયે કોઈપણ પ્રવાસીને રેસ્ક્યુ કરી શકાય તે માટે બે બોટ પણ સતત હાજર રાખવામાં આવે છે. એક સમયે એક કરતાં વધારે વોટર સ્પોર્ટ સાધનોને દરિયામાં જવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેનું પણ અહીં ચુસ્તપણે પાલન થતું જોવા મળે છે.
પ્રવાસીઓએ આપ્યો પ્રતિભાવ : દીવ પરિવાર સાથે આવેલા જયપુરના મહાવીરે દીવના વોટર સ્પોર્ટ્સને લઈને ખુશી વ્યક્ત કરી હતી. પરિવાર સાથે પર્યટન માટે દીવના દરિયા કિનારાઓ સૌની પસંદ બને છે. ત્યારે અહીં દરિયામાં ચાલતી વોટર સ્પોર્ટને લઈને પણ સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન અને તેની ચકાસણી કર્યા બાદ કોઈ પણ પ્રવાસીને દરિયામાં વોટર સ્પોટ માટે જવા દેવામાં આવે છે વધુમાં વોટર સ્પોર્ટના તમામ કર્મચારીઓ એનઆઈડબ્લ્યૂએસ NIWS દ્વારા તાલીમ પામેલા હોવાનું પણ સામે આવ્યું છે.