- હરિભાઈ આધુનિક RSS, VHP અને જનસંઘ વખતથી ભાજપ BJP સાથે સંકળાયેલા હતા
- પૂનમ બેન માડમ સાંસદે આપી શ્રદ્ધાંજલિ
- વડાપ્રધાનના પ્રથમ હરોળના મિત્ર
દેવભૂમિ દ્વારકા: દ્વારકાના રહેવાસી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્રોમાંના એક એવા હરિભાઈ આધુનિકનું નિધન થયું છે. હરિભાઈ આધુનિક વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને જનસંઘ વખતથી ભાજપ સાથે સંકળાયેલા હતા. ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હરિભાઈ આધુનિક વડાપ્રધાન મોદીના પ્રથમ હરોળના મિત્ર ગણાય છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે અને ભારતના વડાપ્રધાન બન્યા બાદ પણ દ્વારકા આવતા હતા, ત્યારે તેઓ પોતાના કાફલાને અટકાવી તમામ પ્રોટોકોલ સાઈડમાં મૂકીને હરિભાઈ આધુનિકને મળવા અચૂક દોડી જતા હતા.
દ્વારકા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું
દ્વારકા ભાજપના પાયાના કાર્યકર્તા ગણાતા હરિભાઈ આધુનિક જનસંઘ સમયે જેલમાં પણ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા, નગરપાલિકા કે પછી તાલુકા પંચાયતની ચૂંટણી સમયે હરિભાઈ આધુનિક હાથમાં થેલો લઈને દુકાને- દુકાને અને ઘરે ઘરે પહોંચીને દ્વારકાધીશનો પ્રસાદ આપી ભાજપને મત આપવા માટે અપીલ કરતા હતા. અત્યંત સરળ અને સાદગીભર્યા સ્વભાવના હરિભાઈ આઘુનિક ભાજપ કાર્યકર્તા તરીકે રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે- જ્યારે દ્વારકા આવતા હતા, ત્યારે અચૂક હરિભાઈ આધુનિકને મળતા હતા. એટલું જ નહીં, તેમની સભામાં હરિભાઈનો ઉલ્લેખ પણ કરતા હતા. હરિભાઈ આઘુનિક દ્વારકા દેવસ્થાન સમિતિમાં છેલ્લા 20 વર્ષથી સદસ્ય તરીકે સેવા આપતા હતા. તેમનું રાજકોટ ખાતે માંદગીમાં અવસાન થવાના સમાચારથી દ્વારકા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હરિભાઈ આધુનિકને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની શ્રદ્ધાંજલિ
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ધ કૃષ્ણ ભક્ત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોક સંદેશામાં પરિમલ નથવાણીએ જણાવ્યું કે, "હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા હતા. તે પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આ દિવંગત આત્માને શ્રીજીના ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય, જય દ્વારકાધીશ.