ડાંગ : જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં રોજગારી ક્ષેત્રે સુચારૂ આયોજન કરીને લોકોને રોજગારી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉનાળાની ગરમીની શરૂઆત અને પાણીની જરૂરિયાત માટે ડાંગ જિલ્લામાં પર્વતીય વિસ્તારમાં સુજલામ સુફલામ અંતર્ગત જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાઇરસની ગંભીરતા જોતા તમામ શ્રમિકો મોઢા પર માસ્ક બાંધે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો સ્વચ્છતા રાખે, વારંવાર પોતાના હાથ પાણીથી ધુએ તે માટે મનરેગા હેઠળ ચાલતા કામોમાં તમામ પ્રકારની કાળજી લેવા તમામ ગામોના સરપંચોને અનુરોધ કરાયો છે.
સુબીર તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઇ ગાયકવાડે વિગતો આપતા જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખેતીકામ કરી ગુજરાન ચલાવતા લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. સુબીર તાલુકાના વિવિધ ગામોમાં કુલ 75 જેટલા કામો મનરેગા હેઠળ શરૂ કરવામાં આવ્યા છે. મનરેગાના કામો અંતર્ગત 1465 માનવબળ સંખ્યા છે, ચેકડેમ ઉંડા કરવા તથા ખેત તલાવડી જેવા કામો શરૂ કરવામાં આવ્યા છે.
ગારખડી ગૃપ ગ્રામ પંચાયત સરપંચ બાલુભાઇ આર.વળવીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના લોકો કામ અર્થે બહાર જાય અને આ લોકડાઉનની પરિસ્થિતિમાં સરકાર દ્વારા ઘર આંગણે જ કામ મળી રહે તેવું આયોજન થયું છે.
ઝરી ગામના શ્રમિક વાસંતીબેન સુરેશભાઇ આહિર કહે છે કે, અમને લોકડાઉનમાં કંઇ કામ મળતુ ન હતું. પરંતુ સરકાર દ્વારા અમને કામ મળ્યું એનો અમને ખૂબ જ આનંદ છે. કોરોના વાઇરસના કારણે અમે મોં પર માસ્ક બાંધવો, સોશિયલ ડિસ્ટન્સ રાખીને અમારા હાથ વારંવાર પાણીથી ધોઇએ છીએ. સરકારે અમને કામ આપ્યું માટે સરકારનો ખૂબ ખૂબ આભાર.