ડાંગ : વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની કટોકટી દિવસેને દિવસે વધી રહી છે. દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાનાં પૉઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં દેશભરમાં કોરોનાને માત આપવા અને વાઈરસનાં સંક્રમણને રોકવા માટે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત 15માં દિવસે પણ આદિવાસી જનજીવને લૉકડાઉનને સફળ બનાવ્યો હતો. ડાંગ જિલ્લામાં 15માં દિવસે લૉકડાઉનનાં પગલે ગામડાઓ સહિત સરહદીય માર્ગો સુમસામ ભાસી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ કેળવતા લોકો ઘરમાં જ રહીને સુરક્ષિત બન્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છેવાડાનાં ડાંગ જિલ્લામાં લોકજાગૃતિનાં કારણે લોકડાઉનનાં 15માં દિવસ સુધી કોરોનાનો એક પણ પૉઝિટિવ કેસ નોંધાયો નથી.
ડાંગ જિલ્લા પોલીસ વિભાગે મહારાષ્ટ્રને જોડતી તમામ સરહદોને સીલ કરીને મહારાષ્ટ્રનાં આવશ્યક સેવાઓ સિવાયનાં તમામ વાહનો સહિત લોક આવનજાવન ઉપર પ્રતિબંધ મૂકી દેતા લૉકડાઉનનાં 15માં દિવસે તમામ માર્ગો સુમસામ ભાસી ઉઠ્યા હતા.