- ડાંગ જિલ્લાના "કોરોના વોરીયર્સ"ની અવગણના થતી હોવાની રાવ
- સરકારે આરોગ્યકર્મીઓની માંગણીને નજર અંદાજ કરી
- ડાંગ જિલ્લા આરોગ્ય મંડળે ડી.એચ.ઓને આવેદન આપ્યું
- આરોગ્યકર્મીઓનાં પગાર બાબતે આવેદન આપ્યું
ડાંગ: (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHMના રાજ્ય કક્ષાના મંડળના નેજા હેઠળ રાજ્ય સરકાર કક્ષાએ તથા જુદા-જુદા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ આ કર્મચારીઓએ આપેલા આવેદનપત્ર અનુસાર ગઈ 12/10/2020ના રોજ મંડળ દ્વારા તેમની જુદી-જુદી માંગણીઓ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને છ માસથી ઉપરનો સમય વીત્યો હોવા છતા, રાજ્યની સરકારે આરોગ્ય સેવાના પાયાના આ કર્મચારીઓની માંગણીને નજર અંદાજ કરી આ કર્મચારીઓની ઘોર ઉપેક્ષા કરી સતત અવગણના કરી રહી હોવાનો ભય આ કર્મચારીઓમાં વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: વડોદરા લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર અપાયું
સરકાર દ્વારા આરોગ્યકર્મીઓનું શોષણ કરવામાં આવે છે
કોરોના જેવા કપરા સમયે જ્યારે એક તરફ આ કર્મચારીઓ પોતાના ઘર, પરિવાર, અને કુટુંબની ચિંતા કર્યા સિવાય પોતાના જીવના જોખમે રાત-દિવસ ફરજ અદા કરી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો, અને દવાખાનાઓ જરૂરીયાતમંદ દર્દીઓને મનફાવે તેમ લુંટી રહ્યા છે. ત્યારે (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHMના જુદા-જુદા સંવર્ગોના કર્મચારીઓને નજીવા પગારે ફરજિયાત ડ્યુટી કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કોવિડ ડ્યુટી માટે ભરતી કરાઈ રહેલા સ્ટાફને આ જુના કર્મચારીઓ કરતા પણ વધુ પગાર આપીને વર્ષોથી સેવા બજાવી રહેલા કર્મચારીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તાવ કરાઈ રહ્યો હોવાની તેમનામાં લાગણી વ્યાપી ગઈ છે. આ કર્મચારીઓને વાર્ષિક માંડ પાંચ ટકા જેટલુ ઇન્ક્રીમેન્ટ આપીને તેમની મજાક કરવામાં આવતી હોય તેવી લાગણી પણ આ કર્મચારીઓમાં વ્યાપી ગઈ છે.
NHM મંડળે ટેકો જાહેર કર્યો
કોરોનાકાળમાં સતત એકધારી ફરજ બજાવવાની કપરી જવાબદારી નિભાવતા આ કર્મચારીઓને કોઈ રજા પણ આપવામા આવતી નથી. શનિ/રવિની રજાઓમાં પણ વેક્સિનેશન સહિતની કામગીરીમાં જોતરવામાં આવે છે. તો શારીરિક અને માનસિક રીતે થાકેલા આ કર્મચારીઓના રાજીનામા પણ સ્વીકારાતા નથી. ત્યારે તેમની સતત અવગણના અને ઉપેક્ષા થઇ રહી હોવાની ભાવના સાથે રાજ્ય કક્ષાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે 4/5/2021ના રોજ રાજ્ય સરકારને આપેલા આવેદનપત્ર અને સામુહિક રાજીનામાં આપવાના કાર્યક્રમને ડાંગ જિલ્લાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે ટેકો જાહેર કર્યો છે.
ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપવામાં આવ્યું, સાથે રાજીનામાની આપી ચીમકી
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગેની લિખિત જાણકારી સાથે ડાંગના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે આગામી 15/5/2021ના રોજથી રાજ્ય કક્ષાના કાર્યક્રમ અનુસાર ગાંધી ચીન્ધ્યા માર્ગ અપનાવી આશ્ચર્યજનક કાર્યક્રમને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન જો કોઈ હકારાત્મક પરિણામ નહીં આવે તો સમગ્ર ગુજરાત સહીત ડાંગ જિલ્લાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM કર્મચારીઓ પણ સામુહિક રાજીનામા ધરી દેશે. જેને લઈને જાહેર આરોગ્ય વિષયક સેવાઓ બાબતે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. તેમ પણ વધુમાં મંડળના હોદ્દેદારોએ જણાવ્યું છે.