- હોટેલ એસોસિએશન દ્વારા પાવર સપ્લાય બંધ ન કરવા અંગે અરજી કરાઈ
- ગિરિમથક સાપુતારામાં હાલ પ્રવાસીઓનો ઘસારો થતા પાવર સપ્લાય બંધ ન કરવા અરજી કરાઈ
- દક્ષિણ ગુજરાત વિધુત ઓફીસ નવસારીને પત્ર દ્વારા અરજી કરવામાં આવી
ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં હોટેલ એસોસિએશન દ્વારા વિધુત બોર્ડને 15 દિવસ માટે પાવર સપ્લાય બંધ ન કરવા અંગે અરજી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હાલ પ્રવાસીઓનો સારો એવો ઘસારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન વખતે આ ગિરિમથક પ્રવાસી વગર સુમસામ રહ્યું હતું. હવે જ્યારે અનલોક પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પ્રવાસીઓ ફરી વાર કુદરતી સૌંદર્યની મજા માણવા માટે અહીં ઉમટી પડયા છે.
હોટેલ એસોસિએશનને પાવર સપ્લાય બંધ થવાની જાણ થતાં અરજી કરી
સાપુતારા હોટેલ એસોસિએશનને ડાંગ જિલ્લામાં પાવર સપ્લાય લાઇન ઉપર મેન્ટનેસ ચાલું કરવા માટે 15 દિવસ પાવર સપ્લાય બંધ રહેશેની જાણ થતા હોટેલ એસોસિએશન દ્વારા દક્ષિણ ગુજરાત વિધુત ઓફીસ નવસારીને પત્ર દ્વારા અરજી કરીને પાવર સપ્લાય બંધ ન કરવા અંગે જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ધીમેધીમે ફરી હોટેલો ચાલું થઈ છે. લોકડાઉનના કારણે ધંધા ઉપર માઠી અસર પડી છે. ત્યારે ધંધા ઉપર ફરી અસર ના પડે તે માટે સદર પાવર સપ્લાય ચાલું રાખવા માટે અરજીમાં જણાવ્યું છે.