- પેટા ચૂંટણીને લઈ તમામ પક્ષો કરી રહ્યા છે પ્રચાર પ્રસાર
- આહવાના બોરખેત ખાતે ભાજપ દ્વારા મુખ્યપ્રધાનની આગેવાનીમાં સભાનું આયોજન કરાયું
- ગુજરાતની 8 બેઠકોમાં ભાજપ જીતશે તેવો મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો વિશ્વાસ
ડાંગઃ જિલ્લામાં આહવાના બોરખેત ખાતે ભાજપ દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીનીઆગેવાનીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ઈશ્વર પરમાર, રમણલાલ પાટકર, સાંસદ પ્રભુ વસાવા, ડો.કે.સી પટેલ, કરશન પટેલ, ડાંગ ભાજપ પક્ષ પ્રમુખ બાબુરાવ ચોર્યા, ભાજપ પાર્ટી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, ડાંગ જિલ્લાનાં માજી ધારાસભ્ય મંગળ ગાવીત તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાને બોરખેતની સભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
3 નવેમ્બરનાં રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીનાં પ્રચાર પ્રસાર સંદર્ભે મુખ્યપ્રધાને બોરખેતની વિરાટ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધા હતા. રાજ્યસભાની ચૂંટણી ટાણે મંગળ ગાવીતે રાજીનામું આપ્યું હતું. જેને લઈ હવે આ બેઠક ઉપર 3 નવેમ્બરનાં રોજ પેટા ચૂંટણી યોજાશે. મંગળ ગાવીત હાલ ભાજપ પક્ષમાં જોડાઈ ગયા છે ત્યારે મંગળ ગાવીતની તરફેણ કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તેઓએ પ્રજાનાં વિકાસનાં અર્થે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. હાલ લોકસભામાં ભાજપની બહુમતી છે પણ રાજ્યસભામાં ભાજપની બહુમતી વધારવા માટે મંગળ ગાવીતે રાજીનામું આપ્યું હતું.
વિજય રૂપાણીએ 8 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
જાહેરસભામાં લોકોને સંબોધન કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદી નવા પરિવર્તન લાવી રહ્યા છે. તેમની સરકારે રામ મંદિરનું નિર્માણ કર્યું, 370 કલમ હટાવી સહિતના કામો કર્યા છે. કોંગ્રેસ પક્ષને આડે હાથ લેતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ પહેલાં અનેક સરકારો તોડી છે. તેઓ પક્ષ પલટા કરે છે. 8 ધારાસભ્યોએ માત્રને માત્ર કોંગ્રેસની આંતરિક જૂથ બંધીથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસનાં શાસનમાં ગરીબી બેકારી વધી છે. જ્યારે ભાજપ પક્ષ લોકોને વિકાસ તરફ લઈ જાય છે. કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા વિજય રૂપાણીએ 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
મુખ્યપ્રધાને જાહેરસભામાં સ્થાનિક મુદ્દાઓથી વધારે કેન્દ્રનાં મુદ્દાઓ વિષે ચર્ચા કરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરસભામાં સ્થાનિક મુદ્દાઓથી વધારે કેદ્રનાં મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આદિવાસી હિતોની વાતો તેમણે કરી હતી. જેમાં 24 કલાક વીજળી, ગેસ કનેક્શન, મફત અનાજ વિતરણ, પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરો આપવામાં આવ્યા, આદિવાસી વિસ્તારમાં પેસા એકટનું અમલીકરણ કરવામાં આવ્યું વગેરે મુદ્દા ઉપર વાતો કરી હતી. આ ઉપરાંત વિજય રૂપાણીએ કોરોના અંગે ગુજરાતની પરિસ્થિતિ સારી છે તેમ જણાવ્યું હતું. તેમણે કોરોના અંગે જણાવ્યું કે, હાલમાં મૃત્યુ દર 7 ટકાથી ઘટીને સવા બે ટકા થયો છે, તેમજ રિકવરી રેટ 90 ટકા પર પહોંચી ગયો છે.