ઈરાનના મર્વ વિસ્તાર નજીક સંજાણ નગર આવેલું હતું. જ્યાં પારસીઓ રહેતા હતા. ધર્મની રક્ષા માટે ઈરાનનું સંજાણ નગર છોડીને ગુજરાતમાં આશરો માંગનારા પારસીઓએ પોતાના મુળ વતન સંજાણની યાદ તાજી રાખવા ગુજરાતમાં આ સ્થળે પોતાનો આશ્રય મેળવ્યો હતો. અને તે સ્થળને સંજાણ નામ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતાં.
પારસીઓના ઇતિહાસની ઝાંખી સંજાણ સ્તંભો ઉપરની તકતીમાં તો જોવા મળે જ છે. વળી પારસીઓના ઇતિહાસને અકબંધ રાખવા માટે વર્ષ 2002ની 20મી નવેમ્બરના રોજ સંજાણ દિવસની ઉજવણી સમયે એક ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારામાં આવી છે. ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પોતાના પવિત્ર આતશ ની રક્ષા કરીને પોતાના ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને એમણે પ્રગતિ સાધી એનો ઉલ્લેખ આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યો છે. જેથી આગામી 100-200 કે 500 વર્ષ પછી જો કોઈ આ કોમ અંગે જાણવા માંગશે તો તે આ ટાઈમ કેપસ્યુલ થકી જાણી શકશે.
ઉલ્લેખનીય છે કે, દૂધમાં સાકરની જેમ ભળી જનાર આ પારસી કોમ આજે પણ તેમને આશ્રય આપનાર રાજાની યાદમાં એ દિવસની ઉજવણી કરતો હોય તેવો ભારત દેશનો એકમાત્ર સમાજ છે. જે હિંદુસ્તાન પ્રત્યેની દેશ દાઝ ધરાવે છે. અને 'જે દેશમાં છે બધા ધર્મોની ઈજ્જત અને માન એ દેશ છે મારો પ્યારો હિન્દુસ્તાન' એવુ ગર્વથી કહી PARSI= People Always Ready to Serve India કહી ઉપકારનો બદલો અનેકગણા ઉપકારથી આપી રહ્યો છે.