દમણ ગુજરાતની 182 વિધાનસભા પર યોજાનાર ચૂંટણી 2022ને લઈ ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીએ તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારો જાહેર કરવાની રેસમાં ભાજપે વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક (Pardi Assembly seat of Valsad) પર રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈને ત્રીજી વખત ટીકીટ આપી છે. ધારાસભ્યની ઉમેદવારી માટે ટીકીટ મેળવનાર કનું દેસાઈએ તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન રેલી યોજી પારડી મામલતદાર કચેરી ખાતે (Pardi Mamlatdar Office) પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નહિ નાગરિકો લડી રહ્યા છે પારડી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે કનું દેસાઈએ પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતુઁ. જે બાદ ભાજપ કાર્યકરોની જંગી રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. ભાજપના પારડી વિધાનસભાના ઉમેદવાર કનું દેસાઈએ 12:39 ના વિજય મુર્હતમાં પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની જીતનો દાવો કર્યો હતો. અને ગત ટર્મથી પણ વધુ મતે વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણી લોકસભા ચૂંટણી 2024નું ફાઉન્ડેશન (Foundation for Lok Sabha Elections 2024) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ ગુજરાતમાં ફરી સરકાર બનાવશે. આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નથી લડતા ગુજરાતના નાગરિકો લડી રહ્યા છે જેમાં મોટા માર્જિનથી જીત મેળવીશું.
નાણાપ્રધાન બાદ મુખ્યપ્રધાન બનશે? હાલની સરકારમાં નાણાપ્રધાનનો હવાલો સંભાળ્યા બાદ જો આ ચૂંટણીમાં ભવ્ય વિજયની હેટ્રિક બાદ મુખ્યપ્રધાન તરીકે હવાલો મળે તો સાંભળશો કે કેમ? તેવા સવાલના જવાબમાં કનુંભાઈએ જણાવ્યું હતું કે, હાલ આ વાત અસ્થાને છે. પરંતુ ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ફરી ગુજરાતમાં સરકાર બનાવીશું અને ભાજપ ભવ્ય વિકાસના કામ કરવાની છે.
પારડીમાં 72 વર્ષના કનું દેસાઈને ત્રીજી વખત ભાજપે ટિકિટ આપી ઉલ્લેખનીય છે કે 180 પારડી વિધાનસભા પર ભાજપે 72 વર્ષના કનું દેસાઈને રિપીટ કર્યા છે. તેની સામે કોંગ્રેસે આદિવાસી મહિલા જયશ્રી પટેલને ટીકીટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કેતન પટેલ નામના યુવા ઉમેદવારને ટીકીટ આપી છે. કનું દેસાઈ પારડી વિધાનસભામાં વર્ષ 2012 અને વર્ષ 2017માં ચૂંટણી લડી જંગી બહુમત સાથે વિજય મેળવી ચુક્યા છે. એટલે ભાજપે કોઈ પણ પ્રકારના જોખમ લીધા વિના ત્રીજી વખત તેમને રિપીટ કર્યા છે.
પારડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ કોંગ્રેસે જયશ્રી પટેલ નામની મહિલાને ટીકીટ આપી છે. જેઓ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. તેમની માતા 1985માં આ બેઠક પર જીત મેળવી ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન પટેલ પારડી તાલુકાની તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. જેઓએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ વખતે પારડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ હોય તેમાં કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.