દમણ : 16મી સદીમાં ભારત આવેલા પોર્ટુગીઝોએ દમણ પર લાગલગાટ 402 વર્ષ સુધી શાસન કર્યું હતું. 19 ડિસેમ્બર 1961ના દિવસે દમણ આ શાસનમાંથી મુક્ત થયું હતું. આ ડિસેમ્બર 19 2023માં દમણ 63મો મુક્તિ દિવસ મનાવશે. જો કે આપને જાણીને નવાઈ લાગશે કે, દમણમાં પોર્ટુગીઝ શાસન સમયની વિરાસત આજે પણ એટલી જ અડીખમ છે. જે આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
વર્ષો જૂના મકાનો અને સ્થાપત્યો આજે પણ અડીખમ : 19 ડિસેમ્બર 1961માં દમણ પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું તે બાદ તમામ પોર્ટુગીઝો વતન પોર્ટુગલ ચાલ્યા ગયા છે. જો કે, તેઓએ અહીં બનાવેલ મકાનો, ચર્ચ, સરકારી આવાસો આજે પણ અડીખમ છે. દમણની આ વિરાસત અંગે દમણના લેખક દંપતિ કે. સી. સેઠી અને સુનિતા સેઠીએ અંગ્રેજી-ગુજરાતી ભાષામાં પુસ્તક લખી પોર્ટુગીઝ સમયના વારસાને લોકો સમક્ષ મુક્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે, પોર્ટુગીઝો જેટલા વહાણવટામાં કુશળ હતા તેટલા જ શાસનમાં અને બાંધકામ ક્ષેત્રે પણ કુશળ હતાં. એટલે આજે 464 વર્ષે પણ તેમના દ્વારા નિર્મિત બાંધકામો અડીખમ છે. જેની ખાસિયત અંગે સેઠી દંપતીએ ETV ભારત સાથે વાત કરી દમણના વારસાની વિગતો આપી હતી.
પ્રવાસન સ્થળ તરીકે જાણીતા બનેલા દમણમાં 16મી સદીથી 20મી સદી સુધી પોર્ટુગીઝોએ રાજ કર્યું હતું. લાગલગાટ 402 વર્ષ સુધીના આ શાસન દરમ્યાન તેઓએ દમણમાં કિલ્લો, ચર્ચ, અધિકારીઓ માટે આવાસ બનાવ્યા હતાં. દમણની અબોહવાને અનુકૂળ રહેઠાણ માટે ઘર બનાવ્યા હતા. પોર્ટુગીઝ શાસન સમયે દમણમાં 10 હજાર પોર્ટુગીઝ પરિવારો જ્યારે 30 હજાર આસપાસ સ્થાનિક જાતિના ભારતીય પરિવારો વસવાટ કરતા હતા. દમણમાં આજે એકપણ પોર્ટુગીઝ પરિવાર નથી. જે પરિવારો છે તે કન્વર્ટડ પરિવારો છે. જેમાંના કેટલાક તેમની વિરાસતને એટલી જ સારસંભાળ રાખી રહ્યા છે. તો, પ્રશાસનની પહેલથી આ વિરાસત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે....કે. સી સેઠી ( લેખક )
રહેણાંક મકાનો વિશેષ ખાસિયતવાળા હતાં : દમણમાં પોર્ટુગીઝ સમયના હયાત મકાનો અંગે કે. સી. સેઠી એ આપેલી વિગતો મુજબ હાલમાં પણ એવા 6 જેટલા મકાનો છે. જે લગભગ 250 વર્ષ જૂના છે. કવિ ખબરદારનું મકાન 150 વર્ષ જૂનું છે. આ મકાનો ચૂના પથ્થર અને સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. મકાનો મોટેભાગે દરિયાની ખારાશને તેમજ ભેજવાળા વાતાવરણને ધ્યાને રાખી બનાવવામાં આવ્યા છે. પૂરતા હવા ઉજાશવાળા આ મકાનો વર્ષો સુધી ટકી રહે, ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવે તે આયોજન સાથે બનાવવામાં આવ્યા છે.
આજે પણ પોર્ટુગીઝ કલ્ચરની ઝલક જોવા મળે છે : પોર્ટુગીઝ સમયની વિરાસતમાં નાની દમણ મોટી દમણમાં આવેલા કિલ્લાઓ, ચર્ચ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભવન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે તમામ અંદાજિત 450 વર્ષ જૂના છે. જેમાં જે તે સમયનું લાકડાનું ફર્નિચર પણ હયાત છે. જે તેમના વારસાની યાદ અપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોર્ટુગીઝ શાસનથી સદા શાંતિપ્રિય રહેલુ દમણ આજે મીની ભારત બન્યું છે. સેઠી દંપતિ જેવા અનેક પરિવારો અહીં અલગ અલગ રાજ્યમાંથી આવીને વસ્યાં છે. જેઓ વારતહેવારે પોર્ટુગીઝ કલ્ચરની ઝલક જોઈ એકબીજા સાથે દરેક તહેવાર હળીમળીને ઉજવી રહ્યા છે.