મતદાનના એક દિવસ પહેલા દાદરાનગર હવેલીના ભાજપના સાંસદ અને વર્તમાન ઉમેદવાર નટુભાઈ પટેલના ફોટા સાથે સ્ટેટસમાં રિજેક્ટ સાથેનો ફોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હડકંપ મચાવવામાં આવ્યો હતો. આ અંગે ભાજપે પંકજ શર્મા વિરુદ્ધ ચૂંટણી પંચમાં આ સમગ્ર મામલે લોકોને ગુમરાહ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી છે.
ભાજપે આ શખ્સ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં ભરવા માંગ કરી હતી. આ સાથે જ ભાજપે પણ વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં ખુલાસો કર્યો હતો કે, નટુભાઈ માટે સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ થયો છે. અને આ મેસેજ વાયરલ કરનાર પંકજ શર્મા દાદરાનગર હવેલીના અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરની એસ. એસ. આર. કોલેજમાં PROના પદ પર હોવા છતાં પણ નેતાજીના મહિમા મંડલમાં આ રીતે ખોટા મેસેજ કરી લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.
દાદરા નગર હવેલીમાં નટુભાઈ વિરુદ્ધ વાઈરલ થયેલા મેસેજ સંદર્ભે દાદરા નગર હવેલી પ્રશાસન તરફથી પણ ખાસ મેસેજ સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યો છે. સાથે જ નટુભાઈ પટેલ ભાજપમાં લોકસભાના ઉમેદવાર છે. તે માટે જે કંઈ પણ ખોટા મેસેજ કરવામાં આવ્યા છે તેનાથી ભરમાવું નહીં અને આ પ્રકારના ખોટા મેસેજ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે.