સંઘપ્રદેશ દમણ અને દીવ તથા દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં અને તેમની સલાહ અનુસાર દમણ પ્રશાસન દ્વારા જિલ્લા કલેકટર અને લેબર કમિશનર ડૉ. રાકેશ મીનહાસની અધ્યક્ષતામાં બાળ મજૂરી રોકવા 16 સદસ્યની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિના દિશા નિર્દેશ હેઠળ કુલ 4 ટીમ બનાવી 26મી સપ્ટેમ્બરે દમણના વિવિધ વિસ્તારમાં મજૂરીકામ કરતા 25 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતાં.
તમામ બાળકોને ભોજન કરાવી કલેકટર અને શ્રમ આયુક્ત ડૉ, રાકેશ મીનહાસ, ડેપ્યુટી લેબર કમિશનર ચાર્મી પારેખ અને ડેપ્યુટી કલેકટર અંકિતા મિશ્રાએ બાળકો સાથે વાતચીત કરી તેમની પારિવારીક વસ્તુસ્થિતિ, શિક્ષણ, આર્થિક સ્થિતિ અને મૂળ જરૂરિયાતો સંબંધિત વિગતો મેળવી હતી. બાળકોને મૌલિક અધિકારોની બાબતમાં જાણકારી આપી હતી.
આ દરમિયાન જિલ્લા કલેકટર રાકેશ મીનહાસે શ્રમ વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યો હતો કે, ભવિષ્યમાં અન્ય બાળકોને બાળ મજૂરીથી કઇ રીતે બચાવી શકાય તે માટે ખાસ ચાર ટીમ તૈયાર કરી છે. આ ટીમે બાળ શ્રમ અધિનિયમ 1986 અને બાળ શ્રમ સંશોધિત અધિનિયમ 2016 અંતર્ગત 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો જો કોઈ સ્થળોએ કામ કરતા હશે તો તેમને મુક્ત કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બનતી કાર્યવાહી કરશે અને તેમની શિક્ષા, આરોગ્ય, આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવા કલેકટર કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે સમિતિના ડેપ્યુટી લેબર કમિશનર ચાર્મી પારેખ, અંકિતા મિશ્રા, વિભાગના અધિકારી, બાલભવન સમાજ કલ્યાણ અધિકારી, એકીકૃત બાળ સંરક્ષણ યોજના અધિકારી અને પોલીસ કર્મચારીઓને બાળ મજૂરી રેસ્ક્યુ ઓપરેશન અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને બાળ મજૂરીમાંથી છોડવતી વખતે પોતાની સાથે પાણી, ખોરાક અને ઉપર્યુક્ત સ્થાન પર પહોંચવા માટે પર્યાપ્ત પરિવહન સુવિધા, પ્રાથમિક ઉપચાર સામગ્રી, આરોગ્ય કીટ વગેરે પોતાની સાથે રાખવા અનુરોધ કર્યો હતો. જેથી બાળકોને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય.