રાજ્ય સહીત દાહોદ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમુદાયના લોકોના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોના સર્ટિફિકેટમાં તેમની પેટા જાતીમાં હિંદુ ભીલ લખવામાં આવી રહ્યું છે. જેને લઇને ઘણીવાર વિવાદો સર્જાયા છે ત્યારે દાહોદ તાલુકાના મુવાલિયા ગામે યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગ્રામીણ જનોએ ગ્રામ સભામાં દરખાસ્ત મુકી હતી કે, ગામની શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોની પેટા જાતિ તરીકે હિંદુ ભીલ લખવામાં આવે છે.
તેની જગ્યાએ આદિવાસી ભીલ( અનુસૂચિત જનજાતિ) લખવાની માગ કરવામાં આવી હતી. ગ્રામસભામાં આ દરખાસ્ત દરમિયાન રજૂઆત કરનાર ગ્રામીણ વ્યક્તિએ હાઈકોર્ટ અને સંવિધાનના પુરાવા આપી રજૂઆત કરી હતી. જેથી આ દરખાસ્તને ગ્રામજનોએ ટેકો કરતા સર્વાનુમતે બહાલી મળતા ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આદિવાસીઓને ટેક્સ ભરવામાંથી કાયદાકીય છૂટ, જંગલ પેદાશો પર તેમના અધિકાર અને જિલ્લામાંથી પસાર થતા ગુડ્સ કોરીડોર એક્સપ્રેસ હાઇ-વે નો વિરોધમાં ઠરાવ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત ઠરાવોના કારણે મુવાલિયા ગામે યોજાયેલી ગ્રામસભા જિલ્લાભરમા ચર્ચાની એરણે રહી છે.