વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહેતા પોળમાં યુવકો વચ્ચે એકાએક ઝઘડો થતાં કેટલાક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની મદદ માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)નો પુત્ર તપન પણ હોસ્પિટલમાં ત્યાં હાજર હતો. તે સમયે આરોપી બાબર ખાનને પણ SSG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. એવામાં આરોપી બાબર ખાને તપનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યું છે.
પોલીસની હાજરીમાં યુવકની હત્યા: જાણવા મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં જ બની હતી. આ ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મૃતક તપન એ પરિવારનો એક જ માત્ર સંતાન હતો અને 2 મહિના બાદ તેના લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલે કારેલી બાગ પોલીસ મથકમાં ગુનો નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ બેફામ બન્યા: કોર્પોરેટરના પુત્રની હત્યા કરનારા આરોપી બાબર ઉપર અનેક કેસો થયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં આમ ગુનેગારોનો ખૌફ વધી રહ્યો હોય એમ જણાય છે. ત્યારે ઘટનાના સીસીટીવી ચેકિંગ કરીને પોલીસ કાર્યવાહી કરશે તેવું જાણવા મળ્યું હતું.
કોર્પોરેટરના પુત્રને મારી નાખ્યો: સમગ્ર ઘટનાને લઇને મૃતકના પિતા રમેશ પરમારએ મીડિયાને જણાવ્યું કે, નવી ધરતી ગોલવાડમાં બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. વિક્રમ અને ભયલુને આરોપી બાબર ખાને માર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ લોકોને જોવા માટે મારો દિકરો SSG હોસ્પિટલ ખાતે આવ્યો હતો. હું પણ અહિંયા જ હતો. ઇજાગ્રસ્તોનો કેસ કઢાવીને તેમને બોટલ ચઢાવીને ઇન્જેક્શન પણ અપાવ્યા હતા. મેં મારા દિકરાને કહ્યું કે, આ લોકોની સારવાર પતી જાય એટલે તું ઘરે આવી જજે. જે પછી હું ઘરે ગયો અને તેવામાં મને કોઇ બોલાવવા આવ્યું હતું. તેણે મને કહ્યું કે, તમારા દિકરા તપનને આરોપીએ તલવાર મારી દીધી છે. જેથી હું તુરંત પાછો હોસ્પિટલ આવ્યો હતો. અને જોયું કે, બાબરે તપનને છરીના ઘા ઝીંકી દીધા હતા.
આરોપી બાબર સામે ગુન્હો નોંધાયો: આ સમગ્ર મામલે DCP પન્ના મોમાયાએ જણાવ્યું કે, કારેલીબાગમાં મહેતાપોળ વિસ્તારમાં ઝઘડો થયો હતો. જે અનુસંધાને ત્રણ વ્યક્તિ વિક્રમ, બાબર તથા અન્યને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. SSG હોસ્પિટલના ફરી ઝઘડો થયો હતો. જેમાં બાબર એ તપનને છરીના ઘા ઝીંકી દીધા છે. બાબર સામે અગાઉ ગુના નોંધાયા છે. ત્યારે આ આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: