થોડા સમય પહેલા યોજાયેલી દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી ટાણે કોંગ્રેસ છોડીને ઘુઘસ જિલ્લા પંચાયતના જિલ્લા સભ્ય સુરતા તાવિયાડે ભાજપનો હાથ ઝાલ્યો હતો. જેના કારણે કોંગ્રેસના કબજાની જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. ટૂંકાગાળામાં આવેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે વાંકુ પડતા સુરતા તાવિયાડે ફરી એકવાર તેમના વિસ્તારમાં યોજાયેલી કોંગ્રેસની પ્રચાર સભા દરમિયાન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, માજી સાંસદ પ્રભા તાવિયાડ તેમજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા પંથકમાં હલચલ મચી જવા પામી છે.
ફતેપુરા પંથકમાં પકડ રાખનાર પારસીંગ તાવિયાડના વહુ સુરતા તાવિયાડના ફરીવાર કોંગ્રેસમાં જોડાવાના પગલે ફતેપુરા વિસ્તારના સમીકરણોમાં ફેરફાર થવા પામ્યો છે. ચૂંટણીના ટાણે જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા જિલ્લામાં ઉલટફેરના માહોલ સર્જાવા લાગ્યા છે. આમ દાહોદ જિલ્લામાં એક પછી એક કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના કારણે કોંગ્રેસ મજબુત બની રહી હોવાનું જોવાઇ રહ્યું છે.