દાહોદ: દાહોદ જિલ્લામાં છ નકલી કચેરી ઊભી કરી રૂપિયા 18.69 કરોડ રૂપિયાનો કૌભાંડ કરનારા આરોપી સંદીપ રાજપૂતને દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવી પુછપુરછ કરી હતી. જે દરમિયાન તેણે 2019માં દાહોદ ખાતે પૂર્વ IAS અઘિકારી બી.ડી .નીનામાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસની તપાસ દરમિયાન કાર્યપાલક ઈજનેર ઈશ્વર કૉલચાની ધરપકડ કર્યા બાદ વધુ તપાસમાં દાહોદ પોલીસે એઝાઝ ઝાકિર અલી સૈયદ અને ડો. સૈફ અલી સૈયદની નડિયાદ ખાતેથી ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓએને દાહોદ કોર્ટમાં રજૂ કરાતા દાહોદ કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
વધુ બે આરોપી ઝડપાયા: દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી ઊભી કરી સરકારને 18 કરોડ 59 લાખ રૂપિયાનો ચૂનો લગાવનાર સંદીપ રાજપૂત અને અંકિત સુથારને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવ્યા બાદ દાહોદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રિટાયર્ડ આઈએએસ અધિકારી બીડી નીનામાની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમજ કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચાની પણ ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસમાં દાહોદ પોલીસને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હતી. જેમાં મુખ્ય આરોપીના ભાઇ તેમજ ભાણેજ એઝાઝ ઝાકિર અલી સૈયદ, ડો. સૈફ અલી સૈયદની નડિયાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓએ પુરાવાનો નાશ તથા આરોપીઓને છુપાડવામાં અને મદદ કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. આ આરોપી પાસેથી વઘુ માહિતી મેળવવાના હેતુથી દાહોદ પોલીસે બંને આરોપીઓને દાહોદ કોર્ટમાં રજૂ કર્યા હતાં અને રિમાન્ડની માંગણી કરતા દાહોદ કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વધુમાં દાહોદ પોલીસે 20 થી પણ વધુ આરોપીઓએ ખોલેલા બોગસ સંસ્થાના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, હાલ હાલ ચાર આરોપીઓ રિમાન્ડ પર હોવાથી ઘણા બધા ભેદ ખૂલે તેવી શક્યતાઓ રહેલી છે.
આરોપીઓની ભૂમિકા: દાહોદના DSP રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર અને દાહોદમાં બોગસ કચેરી ખોલીને સરકારની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એઝાઝ સૈયદ કે જે અબુ બકરનો ભાઇ છે, તેની સાથે તેનો ભાણેજ ડો સૈફ અલી સૈયદની ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગુનો દાખલ થયો ત્યારથી તેઓ વોન્ટેડ હતા અને આ એઝાઝની ભૂમિકા અબુ બકર જેટલી જ છે. બોગસ સંસ્થાઓ ઉભી કરવી, નકલી કચેરીઓ, અને નાણાકીય વહીવટ કરવો તેમજ કામ ચકાસવા અને ખોટા અઘિકારી બની તેમની સાથે જવું, આવા સંપૂર્ણ કૌભાંડમાં અબુ બકરનો ભાઇ એઝાઝ જોડાયેલો હતો. ડોક્ટર સૈફ અલી સૈયદ એઝાઝનો ભાણેજ થાય છે, આ ગુનો દાખલ થયા પછી ફાર્મ હાઉસ પર કે ઘરે જે પુરાવા પડ્યા હોય તેને ખસેડી નાખવા અને તેનો નાશ કરવો, ડી.વી.આર કાઢી નાખવા જેથી પોલીસને મુવમેન્ટ ખબર ન પડે અને નાસ્તા ફરતા આરોપીને આસરો આપવો આ મદદગારીમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. નડિયાદ ખાતેથી એઝાઝની ધરપકડ કરવામાં આવી, ત્યારે ડોક્ટર સૈફ અલી સૈયદ પણ ત્યાં છુપાયેલા હતાં આમ આ ગુનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.