સુરત: શહેરના અડાજણ ખાતે યોજાયેલા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’ માં દેશ-વિદેશના 70 પતંગબાજોનો જમાવડો થતા ઉપસ્થિત દર્શકોને રંગબેરંગી વિશાળકાય પતંગો અને પતંગબાજોના કરતબો નિહાળવાનો મોકો મળ્યો હતો. દર્શકોએ પતંગબાજીની ઉત્સાહથી મજા માણી હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવેલા પતંગ રસિકોએ ઉત્સાહબેર ભાગ લઈ ઉત્સવની મજા માણી હતી. આઅ ઉપરાંત ઉત્તરાયણ વિશે તેમના મંતવ્યો પણ જણાવ્યા હતા.
સુરતના આંગણે પતંગબાજી: ઈસ્ટોનિયાથી સુરત આવેલા એન્ડ્રેસ સોક નામના પતંગબાજે કહ્યું કે, 'પતંગ મહોત્સવથી ખુબ પ્રભાવિત થયો છું. પતંગબાજીનો શોખ મને મારા-પિતા પાસેથી વારસામાં મળ્યો છે. મારા પિતાજી એક સારા પતંગબાજ છે. અમે ઇસ્ટોનિયામાં અવનવી ડિઝાઇન અને નાનકડી પતંગથી લઈ મહાકાય પતંગો જાતે બનાવીને અન્ય દેશોમાં યોજાતા પતંગોત્સવમાં પ્રદર્શિત કરીયે છીએ. સુરતની પ્રેમાળ જનતાનો સહકાર મળ્યો તે માટે અમે તેમનો આભાર માનીએ છીએ. હજુ ભવિષ્યમાં પણ સુરતના આંગણે પતંગબાજી દર્શાવવા આવીશું.'
ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું: જર્મનીથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા જેન હેલમર્ટ મેચેસેકે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'સુરતમાં પતંગોત્સવમાં ભાગ લેવાનો મારો આ બીજો પ્રસંગ છે. જર્મનીમાં અવારનવાર યોજાતા પતંગોત્સવના કાર્યક્રમોમાં અચૂક ભાગ લઉં છું. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું. સુરતના રહીશોના પ્રેમ અને યજમાનીનું મધુર સંભારણું લઈને અમે સ્વદેશ જઈશુ.'
સુરત પતંગોત્સવનું આકર્ષણ:
સુરતના પતંગ મહોત્સવે વિવિધ દેશોના પતંગબાજોને એક મંચ પર લાવી દીધા હતા. આ પતંગબાજોમાં 10 વર્ષના સુરતના ડભોલી વિસ્તારના આર્ય પટેલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 10 વર્ષનો લિટલ કાઈટીસ્ટ આર્ય પટેલ મોબાઈલથી દૂર રહી ખુલ્લા આકાશ હેઠળ રમવાનું વધુ પસંદ કરે છે.
નાનકડા અને ઉત્સાહી પતંગબાજ આર્ય પટેલે જણાવ્યું કે, 'છેલ્લા બે વર્ષથી હું મારા પિતા સાથે પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છું. પતંગ ઉડાવતી વખતે દેશ-વિદેશના પતંગબાજો સાથે અનુભવ મેળવવાની મજા આવે છે. નાની વયથી જ આઉટડોર ગેમ્સ રમવાની ટેવ પડી છે, જેથી હું મોબાઇલથી દૂર રહ્યો છું.'
આર્યએ વધુમાં જણાવ્યું કે, 'આજના સમયમાં મારા જેવા નાના બાળકો મોટા ભાગે મોબાઇલમાં વ્યસ્ત રહે છે, પણ હું ખુલ્લા આકાશ હેઠળ રમવાનું પસંદ કરું છું. આ પતંગ મહોત્સવે મને દેશ-વિદેશના પતંગબાજો સાથે પતંગ ઉડાવવાનો અવસર આપ્યો છે, જે મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.'
આર્યએ અન્ય બાળકોને પણ આઉટડોર ગેમ્સ રમવાની વિનંતી કરતા કહ્યું કે, 'મારા માતા-પિતાએ મને મોબાઇલથી દૂર રાખ્યો છે, જેનો મને ખૂબ ફાયદો આજે થઈ રહ્યો છે. મારા જેવા બીજા બાળકો પણ મોબાઈલ છોડીને બહાર રમે તે જરૂરી છે.'
આ પણ વાંચો: