અમદાવાદ: દેશનો સૌથી લાંબો ચાલતા 13 દિવસીય શાસ્ત્રિય સંગીતના 45મા વાર્ષિક સમારોહ પર આજે 13મા દિવસે અલ્પવિરામ મુકાયો છે. આ દિવસો દરમ્યાન દેશના ખ્યાતનામ કલાકારો દ્વારા સંગીતનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. છેલ્લા દિવસે પણ કુચીપુડી અને ભરતનાટ્યમના ડ્યુએટ દ્વારા લોકોને મંતરમુગ્ધ કર્યા હતા.
પ્રથમ બેઠક
પ્રથમ બેઠકની શરૂઆત કલ્યાણી રાગ રાગબધ અને આદિ તાલમાં તાલબધ ગણેશ વંદના દ્વારા કરવામાં આવી હતી. જેમાં ડૉ. વિક્રમ સારાભાઇના પુત્રી અને પદ્મભૂષણ સન્માનિત અભિનેત્રી અને નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ અને તેમના પુત્ર રેવંતા સારાભાઈ દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી. પ્રથમ બેઠકની દ્વિતીય પ્રસ્તુતિમાં મલ્લિકા સારાભાઈ અને રેવંતા સારાભાઈ દ્વારા 'હુ તો વારી રે ગિરધર લાલ તમારા લટકાને' સાથે કૃષ્ણના 10 અવતારની ભરતનાટ્યમમાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
શ્રોતાઓ માટે મંચને ખુલ્લું મૂકવામાં આવ્યું
મલ્લિકા સારાભાઈ દ્વારા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જો સફર 40 વર્ષની હોય, તો તેને ટૂંકમાં ન જણાવી શકાય. બસ એટલું કહીશ કે, ત્યારે પણ મજા કરતી હતી અને અત્યારે પણ મજા કરું છું." આ પ્રથમ બેઠકમાં શાસ્ત્રિય ગાયિકા સોમિયા નેદુંગાડી, ટી. પલાનીવેલુ દ્વારા મૃદંગમ, મણિકંદન આર પયૂર દ્વારા ઘાતમ, જગદીપ દિનેશ દ્વારા નટ્ટુવંગમ, રાજેશ દર્પણ દ્વારા વાંસળી અને શ્રીજીથ ટીઆર દ્વારા વાયોલિન પર સંગીત આપ્યું હતું.

પ્રથમ બેઠકની સમાપ્તિ બાદ સપ્તકના શ્રોતાઓ માટે મંચને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં શ્રોતાઓ દ્વારા પોતાના અનુભવ અને સૂચનો આપવામાં આવ્યા હતા. એક શ્રોતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "સપ્તક એટલે સંગીતનો અન્નકૂટ" તો અન્ય એક શ્રોતા દ્વારા પોતાના સૂચન આપતા સપ્તકનો લાભ વધુ લોકો લઈ શકે, તે માટે વધુ પ્રચાર કરવા કહ્યું હતું.
બીજી બેઠક
છેલ્લા દિવસની બીજી બેઠકમાં પાર્થો સરોતિ દ્વારા સરોદ વાદન અને સત્યજિત તલવલકર દ્વારા એકલ તબલાવાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સરોદ વાદક પાર્થો સરોતિએ ETV BHARATને જણાવ્યું હતું કે, "હું 8 વર્ષનો હતો અને સંગીત વિશે મને કંઈ જ ખબર પડતી નહોતી, કબાટ ઉપર કંઈક પડ્યું હતું. મે પપ્પાને પૂછ્યું કે, આ શું છે ? તો તેમણે સીધું કહ્યું તું શીખીશ ? કંઈ ખબર પડતી નહોતી. તો પણ મે એમ જ હા પાડી દીધી, પહેલા એકાદ વર્ષ તે મારા માટે પેશન હતું. હવે પ્રોફેશન બની ગયું છે."

અંતિમ બેઠક શ્રોતાઓ માટે યાદગાર
અંતિમ દિવસની અંતિમ બેઠક શ્રોતાઓ માટે યાદગાર બની હતી. આ બેઠકમાં શૌનક અભિષેકી અને મંજુષા પાટીલ દ્વારા ક્લાસિકલ ગાયન અને અભંગવાણી પ્રસ્તુત કરાયું હતું. તેમની સાથે તબલા પર પ્રશાંત પાંડવ, હાર્મોનિયમ પર મિલિંદ કુલકર્ણી અને અપૂર્વ દ્રવિડે સાઇડ રિધમ આપી હતી. આમ, 13 દિવસથી ચાલતો સંગીતનો મહાસંગ્રામ એટલે કે 45મા સપ્તક વાર્ષિક સંગીત સમારોહ આજે પૂર્ણ થયો હતો, રસિકોમાં આ વર્ષનો સમારોહ પૂર્ણ થતાની સાથે આવતા વર્ષે ફરી 46મા સમારોહ આવી જ રીતે યોજાય ભાવ જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો: