સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝના સફાઈ કામદારો પગાર સમયસર ન મળતો હોવાના કારણે અને અન્ય મુદ્દાઓને લઈને રોષે ભરાયા છે. બે મહિનાનો ચડત પગાર ચુકવવાની માંગ કોર્પોરેશન ઓફિસમાં સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો અને સુત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝના સફાઈ કામદારો ડેપ્યુટી કમિશનરને તરત પગાર મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. છેલ્લા ત્રણ માસથી પગાર બાકી હોવાને લઈ સફાઈ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી, ત્યારે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર પગાર ન થતો હોવાનો આક્ષેપ પણ સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવ્યો છે, તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ અને ગેરવર્તન કરાતું હોવાનું પણ સફાઈ મહિલા કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સફાઈ કર્મચારીઓને ફુલ ટાઈમની કામગીરી સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, અને તેમના પગાર સ્લીપ, પીએફની રકમ સહિતની માંગ કરવામાં આવી છે.

જો તેઓને તાત્કાલિક ધોરણે ચડત પગાર નહીં કરવામાં આવે તો સાત દિવસ બાદ આંદોલન કરી અને મહાનગરપાલિકાના વિસ્તારની સફાઈ કામગીરી બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.કે ખટારાએ કર્મચારીઓને ચડેલ પગારમાંથી એક માસનો પગાર ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. પગાર નહીં થવાનું કારણ પુછતા તેમણે પાલિકાની નાણાકિય સ્થિતિ વિશેનો ઉલ્લેખ કર્યો હતો.