કચ્છ: આજકાલ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ લાંબા સમય સુધી તડકામાં તો ક્યારેક પોતાના ચંપલોની લાઇન લગાવી યુરિયા ખાતર ખરીદવા માટે લાંબી લાઈનમાં ઊભવું પડતું હોય છે. પરંતુ હવે ખેડૂતો પ્રાકૃતિક રીતે પોતાના ખેતરમાં જ દહીંમાંથી યુરિયા બનાવી શકશે. જી હા, કચ્છના પ્રગતિશીલ અને અનુભવી ખેડૂત વેલજીભાઈ ભુડીયા કે જેઓ વર્ષ 1967 થી ખેતી કરે છે અને 2001થી ગાય આધારિત ખેતીમાં માને છે.ઉપરાંત તેઓ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડે છે. મહત્વની વાત એ છે કે, તેઓએ દહીંમાંથી યુરિયા બનાવ્યું છે.
ગાયના દૂધ, છાણ, ગૌમૂત્રમાંથી ખેતી: કચ્છના મૂળ માધાપરના ખેડૂત વેલજીભાઈ ભુડીયા ભુજોડી ગામ પાસે બાગાયત પાકની વાડી ધરાવે છે. તેઓ જણાવે છે કે, 'ગાયને સાથે રાખનારો ખેડૂત કદી દુ:ખી નહીં થાય. ગાયના દૂધ, છાણ, ગૌમૂત્રમાંથી બનાવીને ખાતરનું પોષણ ખેડૂતો દ્વારા પાકને આપવામાં આવશે તો ત્યારથી ખેતી, ખેડૂત, ખાનારા તમામ ખુશ રહેશે અને કોઇને બીમાર પડવાનો વારો જ નહીં આવે.'
એક સમયે 800 જેટલી યુરિયા ખાતરની બોરીનો ઉપયોગ કરતા: વેલજીભાઈ ભુડીયાના પિતાના તેમના ખેતી કરતા સમયે દેશી ખાતરનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ વર્ષ 1967 થી 2000 સુધી વેલજીભાઈ ભુડીયા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા અને વાર્ષિક 800 જેટલી યુરિયા ખાતરની બોરીનો તેઓ ઉપયોગ કરતા હતા. ત્યારબાદથી તેઓએ પોતાની કોઠાસૂઝથી ખેતી ક્ષેત્રે વિવિધ સફળ પ્રયોગો શરૂ કર્યા અને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ તેઓ વળ્યા. આજે તેઓ દેશભરના ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા માટે માર્ગદર્શન આપે છે.
વેલજીભાઈએ દહીંમાંથી યુરિયા ખાતર બનાવ્યું: વેલજીભાઈએ દહીંમાંથી યુરિયા ખાતર બનાવ્યું છે અને આ ખાતર પાકને ડ્રીપ ઈરીગેશનથી આપતા પ્રયોગમાં જબરી સફળતા પણ મેળવી છે. આ પદ્ધતિના કારણે પાકના ઉત્પાદનમાં પણ ફેરફારો આવ્યા છે. વેલજીભાઈ ભુડીયા કુલ 22 એકરમાં બાગાયત ખેતી કરે છે. તેમાં પણ ખાસ કરીને 300 જેટલા આંબાના ઝાડ તેમની પાસે છે તો સાથે જ ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમનું પણ તેઓ ઉત્પાદન કરે છે.
કંઈ રીતે બને છે દહીંમાંથી યુરિયા? દહીંમાંથી યુરિયા બનાવવા અંગે માહિતી આપતા વેલજીભાઈએ જણાવ્યું હતું કે, દેશી ગાયના 4 લિટર દૂધને પહેલાં તાંબાના વાસણમાં જમાવી, જેની પાસે તાંબાના વાસણ ન હોય તેઓ તાંબાના તાર પણ મોટા પીપમાં નાખી શકે છે. અઠવાડિયા સુધી તેને અડ્યા વિના રહેવા દેવાનું અને તેનું માખણ પણ નથી ઉતારવાનું જેથી આ રીતે દૂધમાંથી જામીને દહીં બની જાય છે. દહીંને 200 લિટરના ડ્રમમાં નાખી તેમાં 10 લિટર ગૌમૂત્ર, તેટલું જ આકડાનું પાણી અને 5થી 10 કિલો ગાયનું ગોબર નાખી દેવાનું છે. તેની સાથે જ ગોળનું પાણી અને છાણની રાખ પણ તેમાં ઉપયોગમાં લઈ શકાય છે. આમ, આ મિશ્રણને ગાળી લો એટલે યુરિયા ખાતર તૈયાર છે.

ખેડૂતોને ચંપલ ઉતારીને યુરિયા ખરીદવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી: છેલ્લા 24 વર્ષથી ગાય આધારિત ખેતી કરતા પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત વેલજીભાઈ ભુડીયા જણાવે છે કે, 'હવે ખેડૂતોને ચંપલ ઉતારીને યુરિયા ખરીદવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. ખેડૂત જાતે જ પોતાની વાડી -ખેતરમાં દહીંમાંથી ગૌમૂત્ર અને ગોબર સાથે યુરિયા બનાવી શકે છે. વેલજીભાઈ ભુડીયાની સાથે સાથે તેમના 3 દીકરા અને તેમની વહુ પણ આ ખેતીકામમાં જોડાયેલા છે.

દહીંમાંથી બનાવેલો યુરિયા નાઇટ્રોજનથી ભરપૂર: દહીંમાંથી બનાવવામાં આવતો યુરિયા પાક પોષક તત્વો એવાં નાઇટ્રોજનથી ભરપૂર છે. આ ગાય આધારિત ખાતર કપાસ, મગફળી, મસાલા પાક, અનાજ પાક, બાગાયત સહિત દરેક પ્રકારની ખેતીમાં જડીબુટ્ટી જેવું કામ કરે છે. તે પાકના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત 100 લિટર ગૌમૂત્ર, 50 કિલો છાણ અને 20થી 25 કિલો આકડાનાં પાણીનું મિશ્રણ કરીને બનતા ખાતરનું પણ વેલજીભાઈ ભુડીયા ખેતીમાં ઉપયોગ કરે છે.

દરેક ખેડૂતે પ્રાકૃતિક ખાતર અંગેની સમજ કેળવવાની જરૂર: તેઓ માને છે કે, ધરતીમાતા માટે ગાયમાતા બંનેને સાથે રાખીને ખેતી કરવાની છે અને તેઓએ જે કંઈ આપ્યું છે તેની જ મદદથી ખેડૂતોએ પોતાના પાકને પોષણ આપવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડીને આ પ્રાકૃતિક ખાતર અંગેની સમજ કેળવવાની જરૂર છે. ગાયમાતા દૂધ, છાણ અને ગૌમૂત્રથી સમાન તત્ત્વોનું મિશ્રણ બનાવી વાવેલા પાકને સિંચાઈ દ્વારા તે મિશ્રણ પીવડાવવાથી પાકને પોષણ પણ મળે છે અને તેના ઉત્પાદનમાં વધારો પણ થાય છે. સાથે જ ગોળનું મિશ્રણ પણ તેમાં હોતા તે અળસિયા માટે ફાયદાકારક છે અને ખાટી છાશ બની જતા તે પાકને પણ ફુગાવો આપે છે અને પાકમાં સફળતા મળે છે.

200 રૂપિયાની અંદર 4 એકરમાં યુરિયા ખાતર: દહીંમાંથી બનાવવામાં આવેલ યુરિયા દર પિયતે એકથી બે એકર અને માઇક્રો ડીપ એટલે કે સૂક્ષ્મ ટપક સિંચાઈમાં ત્રણથી ચાર એકરમાં વાવેલા પાકને પ્રવાહી ખાતરનું પોષણ આપી શકાય છે. સામાન્ય રીતે સબસીડી બાદ કર્યા બાદ ખેડૂતોને 50 કિલો યુરિયા ખાતરની બોરી 266.50 રૂપિયા મળે છે જે ખેડૂતોને માત્ર 1 એકરમાં જ ઉપયોગી બને છે. જ્યારે 200 રૂપિયાની દહીં, ગોબર, ગૌમૂત્ર, આકડાના પાણી અને ગોળમાંથી બનાવેલ યુરિયા 3 થી 4 એકરમાં ઉપયોગી બને છે.


અન્ય ખેડૂતોને પણ આપે છે દરરોજ માર્ગદર્શન: વેલજીભાઈ ભુડીયા પોતાના પ્રયોગો થકી મેળવેલ સફળતા બાદ તેઓ દેશભરના અન્ય ખેડૂતોને પણ દરરોજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રકૃતિના ખોળે ગાય આધારિત ખેતીના એવા પ્રયોગોનું મોબાઇલ પર માર્ગદર્શન આપે છે. તેમજ પોતાની વાડીએ કરેલ પ્રયોગો જોવા અને જાણવા માટે પણ આમંત્રણ આપે છે.

આ પણ વાંચો: