પોરબંદર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ સ્થળ ચોરી માયરાની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યપાલે રાસાયણિક ખેતીથી બંજર બનતી જમીનને બચાવવા અને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કર્યું હતું.
ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ: રાજ્યપાલ દેવવ્રતે હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુલ ખાતે કરવામાં આવી રહેલી પ્રાકૃતિક ખેતીના દાખલાઓ અને તેની સફળતાના વિડિયો દર્શન દ્વારા હાજર ખેડૂતોને પ્રેરણા આપી હતી. સાથે જ રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી અને ખેડૂતોને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. રાજ્યપાલના પ્રેરક વક્તવ્યથી પ્રભાવિત થઈ, ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. માધવપુર ઘેડના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ગાયો રાખે છે, તે જાણીને રાજ્યપાલે આ સ્થિતિને આનંદદાયક ગણાવી કહ્યું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આ પદ્ધતિ ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે.
રાજ્યપાલે ગોબરમાં રહેલા પોષક તત્વો ગણાવ્યા: રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેના તફાવતની વિગતો રજૂ કરી હતી. તેઓએ ધનજીવામૃત, જીવામૃત અને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીના તત્વોની સમજણ આપી અને ગાયના ગોબરમાં રહેલા પોષક તત્વોના ફાયદાઓ સમજાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “મહાત્મા ગાંધીએ અહિંસાનો સંદેશ આપ્યો છે, જ્યારે રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડુતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે સમયની માંગ છે.”
ધારાસભ્યે પ્રાકતિક ખેતીનો લીધો સંકલ્પ: રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપીને જણાવ્યું કે, આ પદ્ધતિ આપણા પર્યાવરણ અને ભવિષ્ય માટે સબળ માર્ગ છે. પોરબંદર આત્મા વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર એસ. ડી. ધાનાણી, જીલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો અને ખેડૂતોને આ પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન: વિજ્ઞાન કેન્દ્ર ખાપટના કૃષિ વૈજ્ઞાનિક વિશાલ સાવલિયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ત્રિવેદી, આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર સીમાબેન શર્મા, અને જિલ્લા બાગાયત અધિકારી કલ્પનાબેન પંચાલ સહિતના અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: