ધાનેરા: બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઘણા ગામોમાંથી વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે, ત્યારે ધાનેરા ખાતે ગામલોકોએ અનોખો વિરોધ કર્યો હતો. જ્યારથી જિલ્લા વિભાજનની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી લઈને આજ દિન સુધી દિયોદર, ધાનેરા અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે'
ધાનેરા હિત રક્ષક સમિતિએ પતંગ પર 'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે' તેવું લખાણ લખીને પતંગને આકાશમાં ઉડાડ્યા હતાં. ધાનેરાના લોકોની વેદનાને સમજીને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા રાખવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને પતંગ પર સ્લોગન લખાયા
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ આજે ધાનેરામાં અનોખો વિરોધ સામે આવ્યો છે, ધાનેરા હિત રક્ષક સમિતિએ પતંગ પર 'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે' તેવું લખાણ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખીને પતંગને આકાશમાં ઉડાડ્યા હતા. ધાનેરા જુના બસ સ્ટેન્ડ પાસે પતંગ પર 'થરાદ નથી જવું' તેવા લખાણ કરી વેચી હતી. હિત રક્ષક સમિતિએ સુત્રોચ્ચાર કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી.
ધાનેરા અને દિયોદરના લોકો મોટું આંદોલન કરવાની તૈયારીમાં
પતંગ પર મુખ્યમંત્રીને અનુક્ષીને લખવામાં આવ્યું હતું કે, ધાનેરાની વેદનાને સમજીને જ બનાસકાંઠામાં રાખવામાં આવે, જ્યારે બીજી તરફ દિયોદરમાં પણ આ વિભાજનના વિરોધમાં હજી પણ પ્રદર્શન યથાવત જોવા મળી રહેવું છે. દિયોદર તાલુકાના લોકો છેલ્લાં કેટલાંય સમયથી ઉપવાસ ઉપર બેઠા હતા અને આવનાર સમયમાં હજુ પણ જિલ્લા વિભાજનના વિરોધમાં આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.