અમદાવાદ: ગત 17 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ પર હોસ્પિટલના ચેકઅપ રૂમના મહિલા દર્દીઓની સારવારના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો અમદાવાદ સાયબર ક્રાઈમની સોશિયલ મીડિયા મોનીટરિંગ સેલના ધ્યાને આવતા પોલીસે ત્વરીત કાર્યવાહી કરવામાં લાગી ગઈ હતી અને આઈટી એક્ટની કલમ 66(ઈ) 67 મુજબનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનાની ગંભીરતાને જોતા પોલીસે બે ટેકનીકલ ટીમોને તાત્કાલીક સીસીટીવી તથા સોશિયલ મીડિયાના ફુટેજ એનાલીસીસ માટેની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં આ વાયરલ સીસીટીવી ફુટેજ રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનું જણાયું હતું જેને લઈને પીઆઈના નેતૃત્વ હેઠળની એક ટીમને રાજકોટ તપાસ અર્થે રવાના કરવામાં આવી હતી અને ત્યાં જીણભરી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ સીસીટીવી ફુટેજ યુટ્યૂબ પર સોશિયલ મીડિયામાં અપલોડ કરનારા પરપ્રાંતીય છે, જેથી પોલીસે ત્રણ ટીમો બનાવી મહારાષ્ટ્રના લાતુર, સાંગલી અને યુપીના પ્રયાગરાજ જિલ્લાના ભીંસ ખાતે પહોંચી હતી. આ ટીમો દ્વારા ભારે જહેમત બાદ અને ટેકનીકલ ટીમની સાથે સતત સંપર્કમાં રહીને ત્રણ સંદીગ્ધ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

કોણ છે સંદીગ્ધ આરોપીઓ
- પ્રજવલ અશોક તૈલી, લાતુર, મહારાષ્ટ્ર
- પ્રજ રાજેન્દ્ર પાટીલ, સિંહાલા, (સાંગલી,મહારાષ્ટ્ર)
- ચંદ્રપ્રકાશ ફુલચંદ, ભીંસ પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ
પોલીસે કર્યો મોટા રેકેટનો પર્દાફાશ
આ મામલે પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પ્રજ્વલ અશોક તૈલી, સાંગલીના સિંહાલાથી પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ભીંસથી ચંદ્રપ્રકાશ ફુલચંદ નામના ત્રણ શંકાસ્પદ આરોપીને અટકાયતમાં લીધા છે. ત્રણેય ઈસમોની પ્રાથમિક પુછપરછ દરમિયાન પોતે હેકર્સ દ્વારા અલગ-અલગ રાજ્યોની હોસ્પિટલો તેમજ જાહેર જગ્યાના સીસીટીવી કેમેરા હેક કરીને પોતાના આર્થિક ફાયદા માટે ક્યૂ.આર.કોડ ફોર્મમાં ટેલીગ્રામમાં 2 હજાર રૂપિયામાં વેચતા હોવાનું જાણવા મળ્યું છે. જે યુઝર આઈડી અને પાસવર્ડ વિકૃત માનસિકતા ધરાવતા લોકો ખરીદતા અને ટેલીગ્રામ મારફતે વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાતં આરોપીઓ વિદેશના હેકર્સ સાથે ટેલીગ્રામમાં વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં હોવાનું પણ ખુલ્યું છે.