ગિરિડીહઃ ગોડ્ડાથી નવી દિલ્હી જતી સાપ્તાહિક ટ્રેનને ગિરિડીહ ખાતે રોકી દેવામાં આવી હતી. ન્યૂ ગિરિડીહ રેલવે સ્ટેશન પર લોકોએ ટ્રેનની સામે પ્રદર્શન કર્યું અને રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સૂત્રોચ્ચાર કરનારા મુસાફરોમાં ઘણા મુસાફરો હતા.
વિરોધ કરી રહેલાં મુસાફરોમાંથી કેટલાંક મુસાફરોએ 52 દિવસ અગાઉ પ્રયાગરાજ માટે આ ટ્રેનની એસી બોગી અને જનરલ બોગીમાં રિઝર્વેશન કરાવ્યું હતું. બુધવારે સાંજે 15:20 વાગ્યે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી કે તરત જ મુસાફરોએ તેમની આરક્ષિત સીટ ધરાવતા કોચમાં પ્રવેશવા માટે દરવાજા ખોલવાનું શરૂ કર્યું, પરંતુ અંદરથી દરવાજો બંધ હતો તે ખોલવામાં આવ્યો ન હતો, જેના કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

રેલવે ટ્રેક પર બેઠા મુસાફરો
જ્યારે વારંવાર વિનંતી કરવા છતાં કોચના દરવાજા ખોલવામાં ન આવતાં મુસાફરો ટ્રેનની સામેના પાટા પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોતીલેદાના દ્વારિકા પ્રસાદ વર્માએ જણાવ્યું કે તેઓએ 29 ડિસેમ્બરે જ ટ્રેનમાં સીટ રિઝર્વ કરી હતી. એસી કોચમાં 21 લોકો અને જનરલ સ્લીપરમાં 21 લોકો માટે ટિકિટ આરક્ષિત હતી. દરેકની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી, પરંતુ જ્યારે ટ્રેન આવી ત્યારે તેમને કોચમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.

જ્યારે જગ્યા જ ન હતી તો ટિકિટ કેમ ફાળવી ?
આ દરમિયાન લોકોએ રેલવે ઓફિસમાં પણ હોબાળો મચાવ્યો હતો. તેમણે રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને ખરી-ખોટી સંભળાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે સુવિધા આપી શકાતી નથી તો પછી ટિકિટ શા માટે ફાળવી ? આ દરમિયાન રેલવે અધિકારીએ કહ્યું કે તે પૈસા પરત કરી દેશે, પરંતુ લોકો માનવા તૈયાર ન થયાં.

પોલીસને કરવી પડી દરમિયાનગીરી
બીજી તરફ એસપી ડો.બિમલ કુમારને આ મામલાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ એસડીપીઓ જીતવાહન ઉરાંવ, મુફસ્સિલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમ ઈન્સ્પેક્ટર શ્યામ કિશોર મહતો, બેંગાબાદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જીતેન્દ્ર કુમાર સિંહ અને અડધો ડઝન અધિકારીઓને ટીમ સાથે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીઓએ આવીને લોકોને સમજાવવાનો ઘણો સમય પ્રયાસ કર્યો હતો. એક-બે કોચ ખોલવામાં આવ્યા હતા. જોકે એસી કોચ ખોલી શકાયા ન હતી. પોલીસની ઘણી સમજાવટ બાદ લોકો ટ્રેક પરથી હટી ગયા હતા. જે બાદ સાંજે લગભગ ચાર વાગ્યે ટ્રેન રવાના થઈ હતી.