સુરેન્દ્રનગર: 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનો તહેવાર. સમગ્ર રાજ્યમાં આ તહેવાર દરમિયાન અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજના દિવસે લોકો સવારથી જ ઘરના ધાબે ચડી જતાં હોય છે અને પતંગબાજી શરૂ કરી દેતા હોય છે. ચારો તરફ 'કાઈ પો છે...', ના નાદ સંભળાય છે. પરંતુ આ તહેવાર નિમિત્તે હજુ એક મહત્વની બાબત જોડાયેલી છે. જે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ ઉજવાતા લોકો અચૂક માણે છે અને તે છે ઊંધિયું. ઉત્તરાયણના તહેવારમાં મુખ્યત્વે ઊંધિયું સૌથી વધારે આરોગવામાં આવે છે.
ઊધિયું આ સમય દરમિયાન એટલું ફેમસ છે કે કેટલાક લોકો તેને ઘરે પણ બનાવે છે તો કેટલાક તેને દુકાનેથી પણ ખરીદીને લઈને આવે છે. પરિણામે દુકાનમાં ઊંધિયું ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને તેમાં સુરેન્દ્રનગર પણ બાકાત નથી. અહીં શહેરી વિસ્તારોમાં લોકોએ ઊંધિયાની જાયફત બોલાવી હતી તેમજ ઊંધિયાની ખરીદી માટે લોકો સવારથી જ લાઈનમાં જોવા મળ્યા હતા...
ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની સાથે સાથે ખાવાના શોખીન ઊંધિયાની જાયફત માણતા જોવા મળ્યા હતા. વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરમાં ઊંધિયું લેવા માટે લોકોની લાઈનો જોવા મળી હતી.


સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ 25 જેટલા સ્થળોએથી ઊંધિયાનું વેચાણ કરવામાં આવે છે પરંતુ વિઠ્ઠલ પ્રેસ રોડ પર આવેલ મહારાજનું પ્રખ્યાત ઊંધિયુ લેવા માટે સવારથી જ લોકોની લાઈનો જોવા મળી હતી.


અહીં ઊંધિયા સાથે લોકોએ ખમણ, ઢોકળા, પાતળા સહિતની ચીજ વસ્તુઓની જીયાફત માણી હતી. તમને જણાવી દઈએ કે, મહારાજનું ઊંધિયાનું ઉત્તરાયણના દિવસ દરમિયાન 1500 કિલોથી વધુનું વેચાણ થાય છે. અહીંના ઊંધિયા વિશે પૂછાતા ગ્રાહકોએ તેની ક્વોલિટી તેમજ ઉત્તમ સ્વાદના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: