સાબરકાંઠા: સાબરકાંઠાના ઇડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયો ઉતરાયણના દિવસે આગામી વર્ષ કેવું આવશે તેમજ પવનની દિશા કેવી રહેશે તે માટે દેવ ચકલી નામના પક્ષીની વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરે છે.
આગામી વર્ષ કેવું રહેશે ?
જગતના તાત માટે આગોતરો વરતારો મહત્વનો હોય છે. જેના પગલે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો દેવચકલી પક્ષીને તલ, ઘી, ગોળનું મિશ્રણ ખવડાવી વાજતે-ગાજતે આકાશમાં છોડે છે, આ પક્ષી કઈ જગ્યા પર બેસે તેના પરથી આગામી કેવો વરસાદ, આફત, સારું નરસું વર્ષ નક્કી કરે છે. આમ સમગ્ર સમાજ એક થઈ ઉતરાયણની વિશેષ ઉજવણી કરે છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ
ઉતરાયણના પર્વમાં પતંગ રસિકો અલગ-અલગ રીતભાતથી ધાબા પર પરિવાર સાથે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી. જોકે, સાબરકાંઠા ઉત્તરાયણનું આ પર્વ કંઈક અલગ રીતભાતથી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે.
આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ
સાબરકાંઠાના ધોળિયા સહિતના ગામોના આદિવાસી લોકો માટે ઉત્તરાયણનો દિવસ પતંગ ઉડાવીને મોજ મજા કરવાનો નહીં પરંતુ આગામી વર્ષના વરતારો જોવાનો દિવસ બની રહે છે.આ દિવસે દેવચકલી નામના પક્ષીને ઘી,ગોળ તેમજ તલ ખવડાવી તેને ઉડાડી તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે જાણે છે. ઉત્તરાયણના દિવસથી આગામી ઉત્તરાયણ સુધીનું વર્ષ કેવું રહેશે તે આજના દિવસે નક્કી થતું હોય છે.
દેવચકલી નામનું પક્ષી આપે છે સંકેત
સાબરકાંઠાના ઈડર તાલુકાના છેવાડાના વિસ્તારમાં વસતા આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં ગામના લોકો જેમાં યુવક, યુવતી, બાળકો, વડીલો સાથે એકઠા થાય છે અને યુવાનો દ્વારા દેવ ચકલી નામના પક્ષીને પકડીને તેને ઘી,ગોળ તેમજ તલ ખવડાવી વાજતે-ગાજતે ગામમાં વધામણા કરવામાં આવે છે, અને ત્યારબાદ આ પક્ષીને પૂજા કરીને આકાશ સામે સૂર્ય સન્મુખે ઊભા રહે છે. ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરવામાં આવે છે. દેવ ચકલી કયા ઝાડ ઉપર બેસે છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવાાં આવે છે. હજારો વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજની તારીખમાં પણ યથાવત રહી છે.
આદીવાસી સમુદાય માણે છે પારંપરિક સાંસ્કૃતિક આનંદ
મહત્વપૂર્ણ છે કે, જો દેવચકલીફ સૂકા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ દુષ્કાળનું વર્ષ ગણવામાં આવે છે, તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. આમ દેવચકલી થકી સમગ્ર વર્ષનો વર્તારો નક્કી કરવાનો પર્વ ઉતરાયણ બને છે. જોકે મોટાભાગના શહેરોમાં લાખો કરોડો રૂપિયાના દોરી પતંગ અને વિવિધ વાજીત્રો થકી ઉતરાયણ નિમિત્તે આનંદ અને ઉલ્લાસનો તહેવાર બની રહે છે. પરંતુ આદિવાસી સમાજ આજના દિવસ ઢોલ નગારા સાથે ગામમાં તમામ લોકો એક સાથે સામાજીક રીતરિવાજ મુજબ પોતાની પરંપરા અનુસાર સાંસ્કૃતિક આનંદ માણે છે.