દાહોદ: કોરોના સંક્રમણને રોકવાની પારાવાર કામગીરી વચ્ચે પણ આરોગ્ય વિભાગ જનસ્વાસ્થ્યની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકડાઉન વચ્ચે પણ બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણની કામગીરી કરવામાં આવી છે. પ્રતિ બુધવારે 6 હજાર કરતા વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સગર્ભા મહિલાઓને પણ ધનુર વિરોધી રસી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલા અને નવજાત બાળકોને વિવિધ પ્રકારની રસી આપી તેમનું આરોગ્યલક્ષી ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-rashikaran-av-repit-7202725_07052020152008_0705f_1588845008_8.jpg)
સગર્ભા મહિલાને મુખ્યત્વે ધનુર વિરોધી રસી આપવામાં આવે છે. જ્યારે, બાળકોને પંચગુણી રસી એટલે કે, પેન્ટાવેલેન્ટ રસી ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. તેનો પ્રથમ ડોઝ બાળકના જન્મ બાદ 6 અઠવાડિયા બાદ, બીજો ડોઝ પ્રથમ ડોઝના 10 અઠવાડિયા બાદ અને ત્રીજો ડોઝ બીજા ડોઝના 14 અઠવાડિયા બાદ આપવામાં આવે છે. આ રસી બાળકને ઊંટાટિયુ, મોટી ઉધરસ, ધનુર અને હિપેટાઇસ-બી જેવી બિમારીથી રક્ષણ આપે છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-rashikaran-av-repit-7202725_07052020152008_0705f_1588845008_1066.jpg)
આ ઉપરાંત બાળકોને ઓરી ન થાય તે માટે જન્મ બાદના 9 માસ મિઝલ્સની રસી આપવામાં આવે છે. તેમજ પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવે છે. જ્યારે, બીસીજીની રસી બાળકને ટીબીના રોગથી બચાવે છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-rashikaran-av-repit-7202725_07052020152008_0705f_1588845008_732.jpg)
સામાન્ય સંજોગોમાં માસના પ્રતિ બુધવારે આંગણવાડી પર મમતા દિનની ઉજવણી કરવામાં આવે છે અને તેની સાથે રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. જરૂર પડે તો આશા વર્કર દ્રારા બાળક કે માતાના ઘરે જઇને રસીકરણનું કાર્ય કરવામાં આવે છે. હાલના લોકડાઉનને ધ્યાને રાખી નગરપાલિકા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર પરજ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-rashikaran-av-repit-7202725_07052020152008_0705f_1588845008_1052.jpg)
29 એપ્રિલે બુધવારે દાહોદ જિલ્લામાં કુલ 585 મમતા સેશન કરવામા આવ્યા હતા. જેમાં 12284 સગર્ભા માતા અને ધાત્રી માતાએ આ સેશનનો લાભ લીધો હતો. જ્યારે, 6653 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.