દાહોદ: ઐતિહાસિક ધરોહર ધરાવતી દાહોદ જિલ્લામાં નંદા પ્રકારની 25 વાવડીઓ આવેલી છે. જે પૈકી સાત વાવડીઓ આવેલી છે. દાહોદ નગરમાં સિધ્ધેશ્વરી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, પડાવ અને ગોધરા રોડ વિસ્તારમાં આવેલી છે. દાહોદ નગરમાં આવેલી 400 થી 500 વર્ષ જૂની પ્રાચીન વાવડીઓની વ્યવસ્થા ઉભી કરીને રજવાડાઓ દ્વારા નગરવાસીઓને પીવાનું પાણી પૂરું પાડતી હતી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં વાવડીના જળ દ્વારા સિંચાઈના કારણે લીલી હરિયાળી જોવા મળતી હતી. દુષ્કાળના સમયે દાહોદના શહેરીજનોની શીતળ જળથી તરસ છીપાવનારી નંદા પ્રકારની આ વાવડીઓ તંત્રના પ્રતાપે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પોકાર પાડી રહી છે.
ઐતિહાસિક વારસો ધરાવતી સિધ્ધરાજ સોલંકી કાળ સમયની કલાત્મક શિલ્પો ધરાવતી વાવડી ગોધરા રોડના ભરવાડ વાસ સામે આવેલી હતી. મીઠું શીતળ જળ પૂરું પાડતી સોલંકી કાળની આ વાવ કિનારે ચાર થાંભલાનો ગુંબજ સાથેનો મંડપ હતો. ઐતિહાસિક લખાણ અને કોતરેલ પથ્થરના શિલ્પવાળી આ વાવડી જમીન માફિયાઓ દ્વારા બુલડોઝર ફેરવીને ધરતીમાં ધરબી દેવાય છે. આમ સોલંકી કાળની ઐતિહાસિક વાવ તંત્રની નિષ્કાળજીના કારણે નામશેષ બની છે.
દાહોદ શહેરમાં આવેલ સિધ્ધેશ્વરી મંદિર પાસે આવેલી કલાત્મક કોતરણીવાળી વાવડી ક્યારેક આસપાસના વિસ્તારના લોકોને પીવાનું સ્વચ્છ જળ પૂરું પાડતી હતી. જે ગંદકીનો ઉકરડો બનવા પામી છે. આ વાવડીને બિલ્ડર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવી છે. તેમજ તેમાં રહેલું બધું જળ અને કચરો બહાર કઢાવીને ફરીથી સમારકામ કરાવીને નવપલ્લિત કરવામાં આવી છે. જ્યારે શહેર મધ્યે આવેલા હનુમાન બજારમાં આવેલી લક્ષ્મી નારાયણ મંદિર પાસેની પ્રાચીન વાવડીની દિવાલ તોડી તેને મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા જાળીઓ બેસાડી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં અસ્તિત્વ ગુમાવી રહેલી પ્રાચીન વાવડીઓનું સમારકામ તંત્ર દ્વારા કરાવીને ઐતિહાસિક વારસો અને કુદરતી પાણીના જળ સ્ત્રોતો સાચવવા જોઈએ.