દાહોદઃ ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશી વનમહોત્સવના પ્રણેતા છે. તેઓ જયારે કેન્દ્ર સરકારમાં કૃષિ અને અન્ન પ્રધાન હતા, ત્યારે તેમણે પોતાના પર્યાવરણ પ્રત્યેના લગાવને કારણે વનમહોત્સવ ઉજવવાની શરૂઆત વર્ષ 1950થી કરી હતી. આ વર્ષે પણ રાજ્ય સરકાર આ પરંપરાને ચાલુ રાખીને રાજ્યને વધુ હરિયાળું કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે દાહોદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગે પણ જિલ્લાને વધુ હરિયાળુ બનાવવા કમર કસી છે.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક આર.એમ.પરમારે જણાવ્યું કે, નાગરિકો, વિવિધ સંસ્થાઓનો સહયોગ લઇને આ વર્ષે ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ થકી 51 લાખથી પણ વધુ રોપાઓ વાવી જિલ્લાને હરિયાળું કરશે. જેમાં ખાતાકીય વાવેતર થકી વિભાગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા વિસ્તરણ રેન્જના 59 સ્થળો ઉપર કુલ 232 હેક્ટર વિસ્તારમાં 1,82,310 રોપાઓનું વાવેતર કરશે. જયારે બારીયા વન વિભાગ જિલ્લાની વિવિધ નર્સરીના 83 સેન્ટરોની 1238 હેક્ટરના વિસ્તારમાં 14,85,137 રોપાઓનું વાવેતર અને વિતરણ કરશે.
આ ઉપરાંત વિભાગ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત જિલ્લાના 620 લાભાર્થીઓના 490 હેક્ટર વિસ્તારમાં 4,90,000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જયારે એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત 1635 લાભાર્થીના 1225 હેક્ટર વિસ્તારમાં 12,25,000 રોપા વવાશે. સાથે જ ફાર્મ ફોરેસ્ટ્રી વાવેતર હેઠળ 678 લાભાર્થીઓના 625 હેક્ટર વિસ્તારમાં 6,25,000 રોપાઓનો ઉછેર કરાશે.
લોકસહયોગ થકી વનમહોત્સવની ઉજવણીઓમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ 181 ગામોની 33.40 હેક્ટર વિસ્તારમાં 33,400 રોપાઓનું વાવેતર કરાશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાના 9 સ્થળોના 9.25 હેક્ટર વિસ્તારમાં 9250 રોપાઓનો ઉછેર કરાશે. સાથે નીલગીરી કલોનલના 5,00,000 રોપાઓનું વેચાણ કરવામાં આવશે.
આ વખતના વનમહોત્સવની ઉજવણી જૂજ સંખ્યામાં નાગરિકો સાથે, કોરોના સંક્રમણ બાબતની તમામ માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે કરવામાં આવશે.