દાહોદઃ દાહોદ શહેરના ઝાલોદ રોડ સ્થિત સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં 120 પથારીની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર જિલ્લા તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કેટલાક દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યાં છે.
દાહોદમાં કોરોના વાઇરસના કેસોમાં થયેલા ચિંતાજનક વધારાને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વાજયોન પ્રમાણે ક્રમાનુસાર કોવિડ કેસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યાં છે. પ્રથમ ટેકનિકલ હાઇસ્કૂલ અને બાદમાં સરકારી ઇજનેરી કોલેજમાં 120 બેડના કોવિડ કેર સેન્ટર કોરોના દર્દીઓની સંભાળમાં કાર્યરત છે. હવે સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં પણ સીસીસી કાર્યરત કરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદના ખરેડી સ્થિત મોડેલ સ્કૂલમાં પણ આવું સેન્ટર બનાવવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિજય ભાભોરે કહ્યું કે, પોલીટેકનિક હોસ્ટેલના 40 રૂમમાં 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એક રૂમમાં ત્રણ પલંગ ઉપરાંત દૈનિક વપરાશની વસ્તુઓની સુવિધા પણ ત્યાં આપવામાં આવી છે. અહીં આરોગ્ય વિભાગની ટીમ પણ સતત કાર્યરત રહેશે. જે દર્દીઓની સંભાળ લેશે અને જરૂરિયાત મુજબની દવા દર્દીઓને આપશે.