અમદાવાદ : ગુજરાતમાં લોક સાહિત્યનું મોટું નામ કહી શકાય એવા માયાભાઈ આહીરની તબિયત લથડી હોવાના સમાચાર છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામે પ્રાથમિક શાળાના લોકાર્પણ નિમિત્તે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે,
ચાલુ પ્રોગ્રામમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. માયાભાઈએ કાર્યક્રમ શરુ થયાના 10 મિનિટ બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જોકે, હાલ તેમની તબિયત સારી હોવાના અહેવાલ છે.
માયાભાઈ આહીરની તબિયત બગડી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડીના ઝુલાસણ ગામે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં માયાભાઈ આહીર આવ્યા હતા. આ પૂર્વે જ્યારે તેઓ જે ફાર્મ હાઉસમાં રોકાયા હતા. ત્યાં તેમને અગાઉ છાતીમાં દુખાવો થયો હતો. ચાલુ ડાયરામાં માયાભાઈનું સ્વાસ્થ્ય કથળતા આયોજકોએ તેમને પ્રોગ્રામ કરવાની ના પાડી હતી. છતાં પોતાના ચાહકો માટે માયાભાઈ સ્ટેજ પર સ્તુતિ ગાવા માટે આવ્યા હતા. ડાયરાની શરુઆતમાં સ્તુતિ દરમિયાન જ તેમની હાલત ખરાબ હતી.
માયાભાઈ મોજમાં છે...
લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને પ્રાથમિક સારવાર માટે કડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેઓને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ સૂત્રોના અહેવાલ મુજબ હાલ માયાભાઈ આહીરની તબિયત હાલ સ્થિર છે. ઉપરાંત હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરે પોતાના ચાહકોને મેસેજ આપ્યો હતો કે, "જય સીયારામ, આપણે એકદમ રેડી છીએ હો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી." લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના સ્વાસ્થ્ય અંગેના સમાચારથી તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. આ વીડિયો પત્રકાર અને યુટ્યૂબર દિનેશ સિંધવ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: