છોટાઉદેપુર: મણિપુર રાજ્યમાં આદિવાસી કુકી સમુદાઈની મહિલાઓને નિર્વસ્ત્ર કરી વિકૃત રીતે પરેડ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો. 23 જુલાઈ રવિવારના રોજ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના 14 જિલ્લામાં બંધનું એલાન અપાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ, તેજગઢ, જેતપુર-પાવી અને બોડેલીના નાના મોટા બજારો સજ્જડ બંધ પાડી વિરોધ આદિવાસી સમાજના લોકો વિરોધ દર્શાવ્યો હતો.
આદિવાસી આગેવાનોની અટકાયત: બંધના એલાનનો કવાંટ નગરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. છોટાઉદેપુર નગરમાં કોંગ્રસના નેતા સંગ્રામસિંહ રાઠવા તેમજ આમ આદમી પાર્ટીના નેતા પ્રો.અર્જુન રાઠવા સહીત 13 લોકોની પોલીસે અટકાયત કરી હતી, જયારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની કવાંટ પોલીસે અટકાયત કરી હતી. બોડેલી પોલીસે પણ બંધ પડાવવા નીકળેલા 5 જેટલાં સામાજિક કાર્યકર્તાની પણ અટકાયત કરી હતી.
'મણિપુરની કુકી સમાજ એ આદિવાસી સમાજ અમારા સમાજના ભાઈઓ છે. ત્યાંની બહેનોને નગ્ન કરી તેઓના ગુપ્તાંગો સાથે લોકો છેડછાડ કરતો વિડીયો વાયરલ થયો છે. તેમાં એક ફોજીની પત્ની છે અને દેશની રક્ષા કરતાં ફોજીની પત્ની ઉપર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવે છે. છેલ્લા 80 દિવસથી મણિપુરમાં કુકી સમાજના લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા છે. તેમ છતાં મણિપુરની સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ પગલાં ભર્યા નથી.' -વિઠ્ઠલભાઈ રાઠવા, સામાજીક કાર્યકતા
14 જિલ્લામાં સજ્જડ બંધનું એલાન: તેમને વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના આદિવાસી યુવક પર પેશાબ કરવામાં આવ્યોનો વિડીયો વાયરલ થયો હતો. તેમજ અમારા છોટાઉદેપુરના આદિવાસીઓ રોજગારી અર્થે બહાર જાય તેમના સાથે પણ અત્યાચારો ગુજારવામાં આવે છે, જેથી અમે સરકારને જગાડવા અને દોષિતોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે ઉમરગામથી અંબાજી સુધીના 14 જિલ્લામાં સજ્જડ બંધનું એલાન અમારા આદિવાસી સમાજ દ્વારા આપવમાં આવ્યું હતું. જેણે લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના વેપારીઓએ સજ્જડ બંધ પાળીને અમારી લાગણીઓ અને માંગણીઓ સમજી છે.