રાજકોટ: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના ત્રણ દિવસની મુલાકાતે હતા. તે દરમિયાન સી.આર પાટીલ રાજકોટ ખાતે પણ આવ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ભાજપના નેતાઓ અને આગેવાનો પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા અને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા.
આ સાથે કેટલાક નેતાઓ માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કોંગ્રેસે ભાજપના નેતા પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે બુધવારે રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી કોર્પોરેટર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બે દિવસમાં કોંગ્રેસને કાર્યવાહીની ખાત્રી આપી હતી.