ભાવનગર: દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભાઇના ચરણોમાં પ્રથમ રજવાડું અર્પણ કરી દેનારા ગોહિલવાડના રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હતા. ગોહિલવાડના પ્રજાવત્સલ રાજવીઓ તેમની જનતાની સુખાકારી માટે અનેક સવલતો અને ઈમારતો બનાવી આપી છે, જે આજે પણ હયાત છે. ખાસ કરીને તખ્ત્સીહજી ગોહિલે તે સમયમાં ભારતીય શૈલી અને આધુનિકતાના સમન્વય સાથે સર તખ્ત્સીહજી હોસ્પિટલ, તખ્તેશ્વર મંદિર, નિલમબાગ પેલેસ જેવી ઈમારતોનું નિર્માણ કરાવ્યું હતું.
ભાવનગરના રાજવીઓ ભારતીય શૈલી સાથે સાથે આધુનિકતાને પણ અપનાવતા હતા. તેમણે બનાવેલા તળાવો, કેનાલોમાં તે સમયે ઓટોમેટિક દરવાજા મુકવામાં આવ્યા હતા, જે આજે પણ કાર્યરત છે. તેમણે બનાવેલી ઇમારતો ભારતીય રજવાડી શૈલી અને આધુનિકતાનો સમન્વય કરીને બનાવવામાં આવી છે. જેમાં નિલમબાગ પેલેસ પણ સામેલ છે.
નિલમબાગએ ભાવનગરના ગોહિલ વંશના રાજવી સર તખ્તસીહજી ગોહિલ દ્વારા 1859માં બાંધવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં એનો વિસ્તાર 4 હેક્ટરમાં ફેલાયેલો છે. 1984માં મહારાજા વિરભદ્રસિંહજી ગોહીલે આ પેલેસને હેરીટેજ હોટેલમાં ફેરવ્યો હતો, ત્યારથી આ પાલેસનો ઉપયોગ હોટેલ તરીકે થઇ રહ્યો છે. આ મહેલનું બાંધકામ જર્મન આર્કિટેક વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું. મહેલ ભારતીય શૈલી અને આધુનિકતાના સંગમ સાથે બનાવવામાં આવ્યો છે. આ મહેલમાં રાજવી પરિવારના કિંમતી તૈલચિત્રો લગાવવામાં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના ચિત્રો પ્રખર ચિત્રકાર સોમાલાલ શાહે બનાવ્યા છે. હાલ અહીં સોમાલાલ શાહના ચિત્રોની એક પક્ષી આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી છે. નિલમબાગ પેલેસમાં જે મટીરીયલ્સ વાપરવામાં આવ્યું છે, તે મોટાભાગનું બર્માથી મગાવવામાં આવ્યું હતું.
હાલ આ પેલેસમાં કુલ 28 રૂમ છે, જેમાંથી 8 કોટેજ છે. આ કોટેજ રૂમનો ઉપયોગ રાજવી પરિવાર કરી રહ્યું છે. જ્યારે 20 રજવાડી રૂમોને હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યા છે. અહીં રોયલ રૂમ, હેરીટેજ ક્લાસિક રૂમ અને ડિલક્ષ રૂમ તેમજ રોયલ કોટેજ રૂમ ઉપલબ્ધ છે. અહીં નવેમ્બરથી લઇ માર્ચ સુધી વિદેશી પર્યટકો આવતા હોય છે અને રાજવી જીવનશૈલીનો અલૌકિક અનુભવ કરતા હોય છે. રાજવી સમયમાં મહારાણીઓના ઓરડાઓ, રાજકુમારીઓના ઓરડાઓ અને રાજ કુંવરોના ઓરડાઓની અભૂતપૂર્વ વ્યવસ્થા અહીં જોવા મળે છે. અહીંના રોયલ કોટેજમાં વૈભવી ઠાઠમાઠનો અનુભવ થાય છે.
રાજવી પરિવાર દ્વારા નિલમબાગનો સંસ્કૃતિક વરસો અને પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. નિલમબાગ પેલેસ હોટેલની સાથે અહીં બાજુમાં જ નારાયણી હેરીટેજ હોટેલ છે. જેમાં ઈકોનોમી પ્રવાસીઓ માટે રાજવી શૈલીમાં રહેવા માટેની સુંદર વ્યસ્વ્થા કરવામાં આવી છે. રાજ્યના આખરી રાજમાતા બ્રીજરાજ નદીની દેવી દ્વારા આ નારાયણી કોટેજને હોટેલમાં ફેરવવાની મંજૂરી આપવામાં આવી હતી. અહીં 12 AC રૂમો આવેલા છે.
પર્યટકો અહીંના નજીકના વેળાવદર નેશનલ પાર્ક, પાલીતાણા જૈન ટેમ્પલ, ભાવનગરનો વિશાળ સમુદ્ર કિનારો, સિહોર વગેરે સ્થળે ફરવા માટે જતા હોય છે. હાલ અહીં આવનારા પ્રવાસીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો, બગીચો રેસ્ટોરન્ટ, આર્ટ સેન્ટરની, ટેનિસ કોર્ટ અને સુંદર કોલોન ડેડેડ સ્વિમિંગ પૂલનો આનંદ લઈ શકે છે. મહેલની ફરતી હરિયાળી અને લીલોતરીથી પ્રભાવિત થઈને અહીં મોર સહિતના પક્ષીઓના કાયમી નિવાસ પણ બન્યા છે.