- કોળિયાક, કરદેજ, વરતેજ, કમળેજ અને હાથબ ગામમાં કન્ટેમેન્ટ ઝોન જાહેર
- કોરોનાને રોકવા કલેક્ટરે મિની લૉકડાઉન સહિત કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા
- આવશ્યક સેવાઓ, મેડિકલ અને રોજિંદી ચીજવસ્તુઓની દુકાન ચાલુ રહેશે
ભાવનગરઃ રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના કોળિયાક, કરદેજ, વરતેજ, કમળેજ અને હાથબ એમ 5 ગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20 ટકાથી વધુ આવતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે 5 ગામમાં મિની લૉકડાઉન સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ પણ વાંચોઃ પાટણમાં કોરોના પોઝિટિવ હોમ આઇસોલેટેડ દંપતી ફરાર, ફરિયાદ નોંધાઇ
5 ગામોની વસ્તી સામે કેટલા ટકા પોઝિટિવ કેસ
જો વસ્તીની સામે પોઝિટિવ કેસની વાત કરીએ તો, કોળિયાક ગામમાં કુલ 4,988ની વસ્તી સામે 28.63 ટકા કોરોનાના કેસ છે. હાથબ ગામમાં કુલ વસ્તી 5,474ની સામે 20.23 ટકા કોરોનાના કેસ છે. કમળેજ ગામમાં કુલ વસ્તી 3,950ની સામે 42.85 ટકા કોરોનાના કેસ છે. જ્યારે કરદેજ ગામમાં કુલ વસ્તી 6,061ની સામે 29.44 ટકા કોરોનાના કેસ છે. વરતેજ ગામમાં કુલ વસ્તી 13,207ની સામે 29.96 ટકા કોરોનાના કેસ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટરે 4 મેથી 15 મે સુધી મિની લૉકડાઉનનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ સુરતના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર, કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકો ખરીદી રહ્યા છે ફળ અને આઈસ્ક્રીમ
બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ
આ પાંચ ગામોમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા ઉપરાંત ગામોમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ, મેડિકલ અને આવશ્યક સેવાઓ સિવાયના તમામ એકમો બંધ રાખવા તેમજ ગામમાં પ્રવેશ કરતા પ્રવેશદ્વારો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામલોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.