- ભાવનગર મહાનગરપાલિકાએ વ્યવસાય વેરો ઓનલાઈન કર્યો
- વ્યવસાયકારોને મહાનગરપાલિકા સુધી જવું નહી પડે
- વ્યવસાય વેરો ઓનલાઈન બાદ ભાવનગરમાં કઈ સેવા થશે ઓનલાઈન ?
ભાવનગર: મહાનગરપાલિકાએ ઘરવેરો ઓનલાઈન કર્યા બાદ હવે વ્યવસાય વેરાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખાસ સોફ્ટવેર બનાવીને મેયરના હસ્તે વ્યવસાય વેરો ઓનલાઈન ભરવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ કેટલીક જાહેરાત કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી.
વ્યવસાય વેરાનું ઓનલાઈન લોકાર્પણ
ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર ચેમ્બર સામેના હોલમાં વ્યવસાય વેરો ઓનલાઈન સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેયર મનહર મોરીના હસ્તે મહાનગરપાલિકાએ બનાવેલા ખાસ સોફ્ટવેર મારફત આ સેવાને શરૂ કરવામાં આવી હતી. આ તકે કમિશનર સહિત વેરાવિભાગના અધિકારી અને કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યવસાય વેરાથી શું ફાયદો
વ્યવસાય વેરો ઓનલાઈન ભરવાને પગલે હવે વેપારીઓ પોતાની ઓફીસ કે દુકાનેથી ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમથી પોતાનો વેરો ભરી કરી શકશે. આ માટે બનાવેલા સોફ્ટવેરમાં અન્ય રજિસ્ટ્રેશન કરવા માટેની પણ સેવા આપવામાં આવી છે. જેનો ફાયદો વેપારીઓને મળશે એટલે ટૂંકમાં હવે વ્યવસાયકારોને મહાનગરપાલિકા સુધી જવું નહિ પડે.
આગામી દિવસોમાં કઈ ઓનલાઈન સેવા આવશે
વ્યવસાય વેરાની ઓનલાઈન સેવા શરૂ કર્યા બાદ મહાનગરપાલિકાના કમિશ્નર એમ એ ગાંધીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા આગામી દિવસોમાં લિઝ પણ ઓનલાઈન ભરવા તેમજ અટલ બિહારી ઓડિટોરિયમ, આર્ટ ગેલેરી અને મીની થિયેટર હોલના બુકીંગ માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવા તરફ જઈ રહી છે. જેનો લાભ પણ ટુક સમયમાં પ્રજાને મળશે.