ભાવનગરઃ ભાવનગરના અલંગના 1203 જેટલા મજૂરોને માદરે વતન જવું હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ગોરખપુર સુધી ખાસ ટ્રેનને બપોરે 3 કલાકે રવાના કરવામાં આવી હતી. શ્રમિકોને અલંગથી લાવ્યા બાદ આરોગ્ય તપાસણી કરી ભોજન સુધીની સેવા આપીને ટ્રેનને વહીવટી તંત્રએ રવાના કરી હતી.
અંલગથી પરપ્રાંંતિયોને રવાના કરાયાં
લોકડાઉનના કારણે ભાવનગરના અલંગ ખાતેથી પોતાના વતન જવા ઈચ્છતા પરપ્રાંતીય શ્રમિકોને તંત્ર દ્વારા તેમના માદરે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાવનગર રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્ટેશન સુધી ખાસ ટ્રેન મારફતે અલંગના 1159 તેમજ સિંહોરના 44 શ્રમિકોને પોતાના વતન પરત મોકલવાની તૈયારી કરાઈ હતી. બપોરેના સમયે રેલવે ડીઆરએમ અને કલેક્ટર સહિતની ટીમની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.
ભાવનગર વહીવટી તંત્રએ દરેક શ્રમિકોની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેમને ઓળખ રૂપે ટોકન નંબર આપવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકોને અલંગ યાર્ડ ખાતેથી 17 બસો મારફતે સીદસર ખાતેની શાંતિલાલ શાહ એન્જિનીયર કોલેજ ખાતે તબક્કાવાર લવાયા હતાં. જ્યાં વહિવટી તંત્ર તેમજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા તેઓને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. આયોજનના ભાગરૂપે દરેક શ્રમિકોને ટોકન પ્રમાણે 34 રૂમોમાં વિભાજિત કરવામા આવ્યા હતા અને ત્યારબાદ બસ મારફતે આ તમામ શ્રમિકોને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે રીતે ભાવનગર રેલવે ટર્મિનલ સુધી પહોંચતા કરવામાં આવ્યા હતાં.
ઉત્તરપ્રદેશના શ્રમિકો વતન જવા રવાના
જ્યાંથી ટ્રેનમાં 38 ડબ્બાઓમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર સુધી આ તમામ શ્રમિકોને પહોંચતા કરવા રવાના કરવામાં આવ્યા હતાં. સમગ્ર વ્યવસ્થામાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ વગેરે અધિકારીઓ શ્રમિકોને અલંગથી લાવવાથી લઈ તેમને જમાડવાની તેમજ ટ્રેન મારફત તેઓ પોતાના માદરે વતન જવા રવાના થઇ ત્યાં સુધી સ્વયં સેવકની માફક કાર્યરત રહી પોતાની ફરજ અદા કરી હતી. કોઈ જ અવ્યવસ્થા ન સર્જાય તેમજ શ્રમિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતની તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી હતી.
શ્રમિકોએ ખુશી વ્યક્ત કરી
અલંગ ખાતે રહી મજૂરી કામ કરતા ઉત્તરપ્રદેશના મજૂરે જણાવ્યું હતું કે, આજે વતન જવા મળતા અમે ખૂબ ખુશ છીએ. તંત્ર દ્વારા અમારી ખાન-પાનની વ્યવસ્થા કરાઈ હતી. તેમજ કોઇ પણ પ્રકારની અમને તકલીફ ન પડે તેની કાળજી લેવાઈ હતી. આ બદલ અમે તંત્રનો તેમજ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી જ અધિકારીઓ દ્વારા તમામ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરી રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. મંજૂરીની વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી તમામ શ્રમિકોને ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરાઈ હતી. વધુ વિગતો આપતા કલેકટરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ શ્રમિકોને પોતાના વતન પહોંચતા કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.