ભરૂચઃ કેવડીયા સ્થિત નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટીથી 4 ફુટ ઉપર વહી રહી છે. જળસ્તર 28 ફુટ સુધી પહોંચી જતાં જિલ્લામાંથી બે હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે.
![Narmada dam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-03-av-narmadariver-photo-7207966_30082020192359_3008f_1598795639_784.jpg)
સરદાર સરોવરમાં 11.51 લાખ કયુસેક પાણીનો આવરો થઇ રહ્યો છેે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 23 દરવાજા 7.6 મીટરની સપાટી સુધી ખોલી 8.06 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પાણીના કારણે ભરૂચમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની 24 ફુટની ભયજનક સપાટી વટાવીને 28 ફુટે પર પહોંચી છે.
![Narmada dam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-03-av-narmadariver-photo-7207966_30082020192359_3008f_1598795639_666.jpg)
નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોવાલી, મુલદ, માંડવા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. બચાવ અને રાહત કામગીરી માટે સ્ટેન્ડ બાય રખાયેલી NDRFની ટીમે નવા તવરા ગામે રેસ્કયુ કરી 50થી વધારે લોકોને બચાવી લીધા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રે આલિયાબેટમાંથી 200, ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી 443, શહેરી વિસ્તારોમાંથી 996, અંકલેશ્વરમાંથી 812 અને ઝઘડીયામાંથી 289 લોકોને સલામત સ્થળોએ ખસેડી લીધાં છે.
રાજયના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અત્યાર સુધી ડેમના 23 દરવાજા 6.8 મીટરની સપાટી સુધી ખુલ્લા હતા, પણ રવિવારે સાંજે દરવાજાઓએ 7.6 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. ડેમમાંથી 9 લાખ કયુસેક પાણી છોડવાનું આયોજન હોવાથી ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 30 ફુટને વટાવે તેવી શકયતા છે. હાલ તો પૂરના પાણી ભરૂચ શહેરના ફુરજા અને ભાગાકોટના ઓવારા સુધી પહોંચ્યાં છે, પણ નદીની સપાટી વધશે તો શહેરમાં પણ પૂરના પાણી પ્રવેશે તેવી સંપૂર્ણ શક્યતા છે.