ભરૂચઃ ખેડૂતોને વર્ષ 2011-12માં કરાયેલા આર્થિક વ્યવહારોના હિસાબ માંગતી અને દંડ ફટકારતી નોટિસો આયકર વિભાગ દ્વારા ફટકારવા આવી હતી. જે અંગે કોઈ નિરાકરણ ન આવતા આખરે આજે ખેડૂતો રેલી સ્વરૂપે જિલ્લા પંચાયત કચેરીથી ઈન્કમટેક્સ ઓફિસ પહોંચ્યા હતા. પંરતુ ખેડૂતો રજૂઆત કરવા જાય તે પહેલા જ કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કચેરીને તાળું મારી મારી દેવાયું હતું.
પોલીસે ખેડૂતોને કચેરીની બહાર ઉભા રાખ્યા હતાં. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરીણામે ખેડૂતોએ તંત્ર વિરૂદ્ધ આક્રોશ ઠાલવતા ધરણાં શરૂ કર્યા હતાં. ત્યારબાદ પોલીસની મધ્યસ્થી બાદ પ્રતિનિધિ મંડળને મીડિયાની ગેરહજરીમાં મળવા માટે ખેડૂતોએ ઈન્કાર કર્યો હતો. સાથે લબાડ તંત્ર સામે રામધૂન કરીને વિરોધ દર્શાવ્યો હતો. જેના પગલે કચેરી ખાતેથી અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી. છતાં આ મામલે કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું. જેથી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને દૂધ અનાજ તેમજ શાકભાજીનો જથ્થો બજારમાં આવતો અટકાવી દેવા જણાવ્યું છે.