ભરૂચઃ અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં જંબુસરના કોરોનાગ્ર્સ્ત દર્દીનું મોત નિપજ્યા બાદ મૃતદેહ લઇ જવા માટે વિવાદ થયો હતો, અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા જંબુસરના ચંદ્રકાંત પટેલનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું.
- કોરોનાગ્ર્સ્ત દર્દીનું મોત નીપજ્યા બાદ મૃતદેહ લઇ જવા માટે વિવાદ
- તંત્રના અધિકારીઓએ મોતનો મલાજો ન જાળવી થોડા સમય સુધી એમ્બ્યુલન્સની સુવિધા પણ ન કરી
- આખરે મીડિયાની રજૂઆત બાદ કલેક્ટરનાં આદેશથી મૃતદેહ જંબુસર રવાના કરાયો
તંત્રના અધિકારીઓએ મૃતદેહ પરિવારજનોને સોપી દીધો હતો જો કે, ભરૂચ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સ્મશાનગૃહ આવેલા હોવાના કારણે મૃતકની અતિમક્રિયા શક્ય બની શકી ન હતી. આથી મૃતકની અંતિમવિધિ તેમના વતન જંબુસરના સ્મશાનગૃહમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે, મૃતદેહ જંબુસર સુધી લઇ જવા માટે તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની સુવિધા પણ કરવામાં આવી ન હતી. અધિકારીઓએ પરિવારજનોને માત્ર પી.પી.ઈ.કીટ આપી દીધી હતી જો કે, એમ્બ્યુલન્સની સુવિધા ઉભી ન કરાતા પરિવારજનો મુઝવણમાં મુકાયા હતા. આખરે મીડિયાએ આ સમગ્ર વિવાદ બહાર લાવતા અધિકારીઓ ફફડી ઉઠ્યા હતા અને ભરૂચ કલેકટરને આદેશ બાદ એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી હતી અને ચારથી પાંચ કલાક બાદ મૃતદેહને જંબુસર રવાના કરી ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..