ભરૂચમાં નર્મદાના નદીના પુરના પાણી ઓસર્યા બાદ ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શહેરના મોટાભાગના તમામ માર્ગો પણ બિસ્માર બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ શહેર કોંગ્રેસ અને વિપક્ષના નગર સેવકો દ્વારા નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચીફ ઓફિસરની કેબીનની બહાર બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રમુખ સુરભી તમાકુવાલાના રાજીનામાની માગ કરી હતી. ત્યાર બાદ ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું. કે, પહેલા સમયમાં ભરૂચની ઓળખ ખારીસિંગ હતી. પરંતુ, હવે ભરૂચની ઓળખ રસ્તે પડેલા ખાડા અને રસ્તે રખડતા પાડા જેવી બની ગઇ છે. આ માટે નગર પાલિકાનું શાસન જવાબદાર છે. નગર પાલિકા દ્વારા પુર બાદ પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. તંત્ર જો આ સમસ્યાનું નિરાકરણ નહીં લઇ આવે તો આવનારા સમયમાં શહેરનો કચરો નગરપાલિકા કચેરીમાં ફેંકવાની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ સમગ્ર મામલાને લઇને ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં પુરની પરિસ્થિતિ બાદ સાફ સફાઈની કામગીરી ચાલુ જ છે અને માર્ગોનું પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની રજુઆત મળી છે એ વિસ્તારોમાં કામગીરી કરાશે