ભરૂચ: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યા બાદ કોરોના વાઈરસ ભારતમાં પ્રવેશી ચુક્યો છે. હાલમાં તે બીજા તબક્કામાં છે ત્યારે તેની અસરમાં વધુ લોકો ન આવે તે માટે જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી લોકડાઉન આપ્યું છે. ભરૂચ જીલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયાએ પ્રજા જોગ અપીલ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરી હતી અને વહીવટી તંત્રને સહકાર આપવા જણાવ્યું હતું.
ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો છે. ત્યારે જીલ્લામાં આવેલા ઉદ્યોગોમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે જીલ્લા સમાહર્તા દ્વારા જીલ્લાના તમામ ઉદ્યોગોને તાત્કાલિક ધોરણે શટડાઉન કરવાના આદેશ આપ્યા છે. દવાઓ બનાવતા ઉદ્યોગોને તેમાંથી આંશિક રાહત આપવામાં આવી છે. જીલ્લાના ઉદ્યોગોમાં હજારો કર્મચારીઓના આવન જાવન માટે વપરાતી ટ્રાન્સપોર્ટની બસોને પણ બંધ કરવામાં આવી છે.