ભરૂચ : હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે જેનાથી સમગ્ર વિશ્વ પણ ભયભીત થઈ રહ્યું છે, ત્યારે ભરૂચની એક પરિણીત યુવતીએ કોરોના વાઇરસને માત આપવા તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા મીરલ રાણાના પત્ની મોનિકાનો આજરોજ જન્મ દિવસ હતો. લોકડાઉનના સમયમાં મોટી બર્થ ડે પાર્ટીનું આયોજન તો શક્ય ન હતું. આથી, તેઓએ તેમના ઘરે જ કેક કાપવાનું નક્કી કર્યું અને તેઓએ માસ્ક પહેરેલા ઇમોજીવાળી કેક બનાવી અને હેપ્પી લોક ડાઉન મોનિકા કેક પર લખાવ્યું હતું અને આ કેક તેઓ દ્વારા કાપવામાં આવી હતી.
કેક કટિંગ સમયે પણ પતિ પત્ની અને તેમનો એક મિત્ર જ ઉપસ્થિત રહ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું હતું. આ બાબતે મીરલ રાણાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિ છે, ત્યારે લોકો પોતાના ઘરમાં જ સુરક્ષિત રહે અને માસ્ક સહિતની ચીજવસ્તુનો ઉપયોગ કરે તે માટે તેઓ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો હતો.