ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસ હવે બેકાબૂ બની રહ્યો છે. તંત્ર અને લોકોના અથાગ પ્રયાસો છતાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભરૂચ જિલ્લામાં શુક્રવારે એક દિવસમાં કોરોના વાઇરસના સોથી વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે ત્યારે જો તાલુકા મુજબ કેસની વિગતો જોઇએ તો ભરૂચમાં 15, આમોદમાં 2, અંકલેશ્વરમાં 14, જંબુસરમાં 3, વાલિયામાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 1, નેત્રંગમાં 1, હાંસોટમાં 1 કેસ નોંધાયો હતો.
તો બીજી તરફ ભરૂચમાં એકસાથે 35 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં કુલ 606 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 15ના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 356 દર્દીઓ સ્વસ્થ થયા છે અને હાલ 235 કેસ એક્ટિવ છે.
અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની તારીખ મુજબ વિગતો જોઇએ તો જિલ્લામાં પ્રથમ કેસ 8 એપ્રિલે નોંધાયો હતો ત્યારબાદ 16 જૂને 100 પોઝિટિવ કેસ, 27 જૂને 200 પોઝિટિવ કેસ, 5 જુલાઈએ 300 પોઝિટિવ કેસ, 9 જુલાઈએ 400 પોઝિટિવ કેસ, 14 જુલાઈએ 500 પોઝિટિવ કેસ અને શુક્રવારે પોઝિટિવ કેસનો આંકડો 600 પર પહોંચ્યો છે.