યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર રવિવાર સાંજે વાહનો પર કેટલાંક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેથી અંબાજી જતાં વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કારણ કે, આ રસ્તા પર બે ખાનગી કાર સહિત અમદાવાદ તરફથી અંબાજી આવી રહેલી છોટાઉદેપુર-અંબાજી ST બસ અને બગસરા-અંબાજી ST બસ અંબાજીથી 8 કિલોમીટર દૂર ગનાપીપળીના ઢાળમાં અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં આગળના ભાગના મુખ્ય કાચ તૂટી ગયાં હતા. જો કે, ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે કોઇ મોટી ઘટના બની ન હોવાનુ બસ ડ્રાઇવરે જણાવ્યું હતું.
હાલ, દિવાળીનું વેકેશન હોવાથી અંબાજી તેમજ માઉન્ટ આબુ જનારા યાત્રિકોના ઘસારો રહે છે. અંબાજી તેમજ માઉન્ટઆબુ જવા માટેનો આ માર્ગ મુખ્ય રોડ ગણાય છે. જ્યાં મોડી સાંજે પથ્થરમારાની ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી દિવાળી વેકેશનમાં કોઈ દુર્ઘટના સર્જાય તે માટે હડાદ માર્ગ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ રાખવાની માગ પ્રબળ બની છે.