- બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
- આગાહીના પગલે ખેડૂતો બન્યા ચિંતાતુર
- બટાકા, દાડમ, રાયડા અને એરંડાના પાકને નુકસાનની ભીતિ
બનાસકાંઠાઃ જિલ્લામાં હવામાન વિભાગે આગાહી 4 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે, ત્યારે આવી સ્થિતિમાં ખેતી પર આધારિત આ જિલ્લામાં ખેતીના પાકને નુકસાન ન પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરની સૂચનાથી નિવાસી અધિક કલેક્ટરે ખેતીને સંલગ્ન અધિકારીઓને ખેતપેદાશોની યોગ્ય માવજત રાખવા સુચના આપવા તાકીદ કરી છે. જિલ્લામાં ખેડૂતોને ગત વર્ષે કુદરતી આપત્તિ ના કારણે ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે જિલ્લામાં કરેલી વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વરસાદની આગાહીના પગલે જિલ્લાના ખેડૂતોને ખાસ એલર્ટ રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આગાહીના પગલે ખેડૂતોમાં ચીંતા
2020નું વર્ષ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સૌથી મુશ્કેલીભર્યું વર્ષ નીવડ્યું છે. ખાસ કરીને જિલ્લાના ખેડૂતોએ 2020 ના વર્ષમાં કુદરતી આફતોના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તીડના આક્રમણના કારણે જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ ખેડૂતોએ ખેતરોમાં અલગ-અલગ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરત જાણે ખેડૂતો પર રૂઠી ગયો હોય તેમ ફરી એકવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી ચોક્કસથી કહી શકાય કે જિલ્લાના ખેડૂતો માટે 2020નું વર્ષ નુકસાનકારક નીવડ્યું છે.

ડીસાના ખેડૂતોને બટાકાના પાકમાં થઈ શકે છે નુકસાન
ડીસાને આમ તો સમગ્ર ગુજરાતમાં બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી સતત બટાકાના પાકમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. બટાકાના ભાવ સતત ગગડતા ડીસાના ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે બટાકાના ભાવ સારા હોવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી બટાકાનું વાવેતર કર્યું હતું. આ વર્ષે બહારના રાજ્યોમાં બટાટાની માંગ વધારે હોવાના કારણે ખેડૂતોએ 5 વર્ષની મંદીમાંથી બહાર આવવા માટે પોતાના ખેતરમાં 2400 રૂપિયાના ભાવે બટાકાનું વાવેતર કર્યું હતું. જિલ્લામાં આ વર્ષે ૬૫ હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું. પરંતુ બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે ડીસાના ખેડૂતો બટાટાના પાકને લઇ ચિંતામાં મુકાયા છે. જો ડીસામાં બે દિવસ દરમિયાન વરસાદ વરસે તો બટાટાના ઉત્પાદન પર મોટી અસર થઇ શકે તેમ છે. વરસાદના કારણે બટાકાના પાકમાં સુકારા અને ચર્મિં નામનો રોગ આવવાથી બટાટાના પાકમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે. આમ હાલમાં વરસાદની આગાહીના પગલે ડીસાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

લાખણીમાં દાડમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ
જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતીની શરૂઆત કરી છે અને દાડમની ખેતી થકી સરહદી વિસ્તાર લાખણીના ગંગાજીને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા બે વર્ષથી વારંવાર બદલાતા વાતાવરણથી આજ દાડમ સરહદી વિસ્તારના ખેડૂતોને રોવડાવી રહ્યું છે. 2020 ની સાલમાં વારંવાર બદલાતા વાતાવરણથી ખેડૂતોને દાડમના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેના કારણે લાખણી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાંથી દાડમના પાકની કરવાની પણ શરુઆત કરી હતી, ત્યારે આ વર્ષે ફરી એક વાર દાડમના પાકમાં સારુ ઉત્પાદન મળે તે આશાથી ખેડૂતોએ દાડમના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હવામાન વિભાગની આગાહીને પગલે હાલ લાખણી તાલુકાના ખેડૂતો દાડમના પાકને લઈ ચિંતાતુર બન્યા છે. હાલમાં દાડમનો પાક ખેતરોમાં તૈયાર થઈ ગયો છે, ત્યારે જો આવા સમયે વરસાદ પડે તો દાડમના પાકમાં પ્લગ નામનો રોગ આવી શકે છે. જેના કારણે દાડમના ભાવમાં ઘટાડો થઈ શકે તેમ છે.

સરહદી વિસ્તારમાં રાયડા અને એરંડાના પાકને નુકસાનની ભીતિ

જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી સૌથી વધુ નુકસાન સરહદી વિસ્તારના ખેડૂતો વેઠી રહ્યા છે. સરહદી વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરોમાં સમયસર પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ વારંવાર ફૂટતી કેનાલોને કારણે નર્મદાનું પાણી ન પહોંચતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ તીડનું આક્રમણ સરહદી વિસ્તારમાં થયું હતું, જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ઇયળોના ઉપદ્રવથી પણ સરહદી વિસ્તારના ખેડૂતોને નુકસાન થયું હતું. 2020 ના વર્ષમાં વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે આ તમામ નુકશાની માટે ખેડૂતો બહાર આવે તે માટે સરહદી વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાયડો અને એરંડાનું વાવેતર કર્યું હતું, પરંતુ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે હાલમાં સરહદી વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં ઉભેલા પાકને લઇ ચિંતામાં મુકાયા છે. વરસાદના કારણે રાયડો અને એરંડા પાકમાં સૌથી વધુ નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.