રક્ષાબંધન હોવાથી પાલનપુર સબજેલમાં કેદ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે 300થી વધારે બહેનો પાલનપુર સબ જેલ આગળ પહોંચી ગઈ હતી. જો કે આ બહેનો સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સબજેલની અંદર સંજીવ ભટ્ટને મળવા જવાનો હોઈ પોલીસ દ્વારા જેલ જવાના માર્ગને બેરીકેટેડ ગોઠવીને બંધ કરી દેવાયો હતો અને ત્યાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જો કે સંજીવ ભટ્ટને રાખડીઓ બાંધવા આવેલી મહિલાઓ સાથે હાર્દિક પટેલ પહોંચે તે પહેલાં પાલનપુર પોલીસ દ્વારા પાલનપુર હાઇવે પરથી હાર્દિક પટેલની અટકાયત કરી દેવામાં આવી હતી. અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાયો હતો. પાલનપુર સબજેલ ખાતે સંજીવ ભટ્ટને દેશમાંથી ત્રીસ હજાર રાખડીઓ લઈને આવેલી બહેનોને પાલનપુર પોલીસે સંજીવ ભટ્ટને રાખડી બાંધતા રોકવામાં આવી હતી, જેથી 300 જેટલી મહિલાઓ પોલીસ હેડ ક્વાર્ટરની બહાર જ ધરણા કરી બેસી ગઈ હતી. જે બાદ સબજેલમાં અંદર જવાની પરમિશન ન મળતા મહિલાઓ સંજીવ ભટ્ટને રાખડી બાંધ્યા વગર પરત ફરી હતી.