બનાસકાંઠાઃ જિલ્લામાં આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં શાળાના બાળકોને બોલાવી ટોળું ભેગું કરી સોશિયલ ડિસ્ટન્સનો મજાક કરતા શિક્ષકો સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શાળામાં બોલાવ્યા હતા અને કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગર જ ટોળું વળીને બાળકોને શાળાના મેદાનમાં બેસાડ્યા હતા. જોકે આ બનાવની જાણ ગામના જાગૃત લોકોને જાણ થતાં જ શાળામાં દોડી આવ્યા હતા અને કેટલાક લોકોએ શિક્ષકોની ગંભીર બેદરકારી દાખવતાનો વીડિયો અને ફોટા બનાવી વાઇરલ કરતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં 31 લોકોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી 8 જેટલા દર્દીઓ તો વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા છે અને અહીં લોકોમાં જાગૃતિના અભાવે કોરોના વાઇરસ વધુ સંક્રમિત થાય તેવી શક્યતા આરોગ્ય વિભાગ સેવી રહ્યું છે.
તેવામાં આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોની આ ગંભીર બેદરકારીથી આવનારા સમયમાં મોટી સમસ્યા સર્જી શકે તેમ છે. એક તરફ સરકાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને ખતમ કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ બીજી તરફ સમાજને જાગૃત કરનારા શિક્ષકો કોરોના વાઇરસ રૂપી દૈત્યને આવકારતા હોય તેવી ઘટના બની છે. ત્યારે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય તો જ અન્ય બેદરકાર લોકોને નસિયત મળી શકે તેમ છે.