અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકો ગતરોજ અડધી રાત્રે ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને રાત્રે તેઓએ પોતાની રજૂઆત ધારાસભ્ય સમક્ષ મૂકી હતી. કાઉન્સિલરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતું હોવાથી તેઓ છેવટે ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. આવો જાણીએ શું હતી સમગ્ર ઘટના.
રાત્રે 11 વાગ્યે સ્થાનિકો ધારાસભ્યના ઘરે પહોંચ્યા: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ત્રણ સોસાયટીની વચ્ચે એક શાકમાર્કેટ બની રહ્યું છે જ્યારે સ્થાનિકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે કે શાક માર્કેટ બનતા જ ગંદકી, ભીડફાડ, ન્યુસન્સમાં વધારો થશે. કાઉન્સિલરથી લઈને કમિશ્નર સુધી રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિરાકરણ ન આવતા છેવટે અડધી રાત્રે આ સ્થાનિકો ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા.
કોર્પોરેટરથી લઇને કમિશ્નર સુધી રજૂઆતો કરાઇ: સ્થાનિક હસમુખભાઈ પટેલ જણાવી રહ્યા છે કે, 'અમારે અહીં ત્રણ સોસાયટીની વચ્ચે શાક માર્કેટ બની રહ્યું છે, એમને જેવી રીતે ખબર પડી તરત જ અમે કમિશ્નરને ડે. કમિશ્નરને અને કોર્પોરેટરને સાતમાં મહિનામાં અરજી કરી હતી. ત્યારબાદ હજુ તો એક મહિના પહેલાં જ કોર્પોરેટરને મળવા ગયા હતા, એમને અમે રજૂઆત કરી તો તેમણે કહ્યું કે, અમે આગળ રજૂઆત કરીએ છીએ પણ કઈ આગળ થયું ન હતું ઉલ્ટાનું કામ ચાલુ થઇ ગયું.'
પોલીસ બોલાવી ને તમને બધાને પકડાવી દઈશું - કોન્ટ્રાકટર: આગળ વાત કરતા સ્થાનિક હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, 'એમને થયું કે હવે કામ બંધ થશે એવું લાગતું નથી, તેથી અમે કોન્ટ્રાકટરને મળ્યા અને બપોરે કામ બંધ પણ કરાવી દીધું હતું. પછી તેમણે કહ્યું કે, અમે તો પોલીસ બોલાવીને તમને બધાને પકડાવી દઈશું. ત્યારે અમને લાગ્યું કે હવે ધારાસભ્યને મળવું પડશે. આથી અડધી રાત્રે અમે ધારાસભ્યને મળવા માટે ગયા હતા.'

બે દિવસ પૂર્વે પણ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી: ધારાસભ્યને બે દિવસ પહેલા જ રજૂઆત કરી હતી, અને તેમણે કહ્યું પણ હતું કે, 'બે દિવસ પછી હું કમિશનરને મળવા જવાનો હતો પરંતુ તેમને કંઈક રેલીમાં જવાનું હતું તેથી તેઓ મળવા જઈ શક્યા ન હતા, તેથી હવે તેઓ કાલે કે પરમ દિવસે કમિશનરને મળવા જવાના છે અને અમને ચાર-પાંચ લોકોને સાથે પણ લઈ જવાના છે અને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે તમે સાથે આવજો, કોર્પોરેટરને પણ સાથે લેશું, તમારી રજૂઆત કરીશું અને તમારી સમસ્યાનો નિકાલ પણ લાવીશું.'
ધારાસભ્ય કમિશ્નરને રજૂઆત કરશે: વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ર'જૂઆત તેમણે સાંભળી છે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ કમિશ્નરને રજૂઆત કરશે.

સમસ્યાનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશ્નર વિપુલ ઠક્કરે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ શાક માર્કેટ ન બનાવવા મામલે કોઇ ચોક્કસ સમસ્યા દેખાઇ આવતી નથી, સ્થાનિકોનુ કહેવું છે કે આનાથી ન્યુસન્સ થશે તે પ્રકારની વાત કરવામાં આવે છે પરંતુ તે કેવી રીતે થશે તે કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી.
વધુમાં પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશ્નર વિપુલ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ તો "હું થોડા દિવસથી રજા પર હતો મારે જોવું પડશે કે આમાં શું થઈ શકે છે."
આ પણ વાંચો: